Ahmedabad Mehsana Highway Accident: શનિવારની સવાર હાઈવે પર વાહનચાલકો માટે મુસીબત લઈને આવી હતી. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સ નજીક એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક કાર ચાલકની નાનકડી ભૂલને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
એક બ્રેક અને ચાર વાહનો અથડાયા!
ઘટનાની મળતી વિગતો મુજબ, અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. હાઈવે પર વાહનોની ગતિ તેજ હોવાથી પાછળ આવતા વાહનો કન્ટ્રોલ થઈ શક્યા ન હતા. પરિણામે, એક પછી એક એમ ત્રણ કાર અને એક ટ્રક પાછળથી ધડાકાભેર અથડાઈ ગયા હતા. ક્ષણવારમાં જ હાઈવે પર બમ્પર-ટુ-બમ્પર અકસ્માત સર્જાયો હતો.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે વાહનોના બોનેટ અને બમ્પરને મોટું નુકસાન થયું છે. જોકે, રાહતની વાત એ છે કે આ શ્રેણીબદ્ધ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. તમામ વાહનચાલકોનો આબાદ બચાવ થયો છે.
હાઈવે પર ટ્રાફિક જામ, પોલીસ દોડી આવી
અકસ્માતને પગલે હાઈવેના એક તરફના રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટોલ રોડની ટીમ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. હાલ ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિકને રાબેતા મુજબ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
