Ahmedabad News/ પાલડીમાં ‘વર્ધમાન ફ્લેટ’ની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો, સ્થાનિકોમાં ફેલાયો ભય

Ahmedabad Paldi Flat Gallery Collapse: અમદાવાદના પાલડી ચાર રસ્તા નજીક આવેલા 55 વર્ષ જૂના વર્ધમાન ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી થઈ છે. સ્લેબ નીચે પડતાં અફરાતફરી મચી હતી, પણ સદનસીબે જાનહાનિ ટળી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Paldi Flat Gallery Collapse

Ahmedabad Paldi Flat Gallery Collapse: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના પોશ અને વ્યસ્ત ગણાતા પાલડી ચાર રસ્તા નજીકથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં આવેલા અંદાજે 55 વર્ષ જૂના એક ફ્લેટની ગેલેરીનો મસમોટો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. ગેલેરીનો સ્લેબ કડાકાભડાકા સાથે નીચે પડતાં જ આસપાસના રહીશોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Ahmedabad : ‘વર્ધમાન ફ્લેટ’ની બિસ્માર ગેલેરી તૂટી પડી

મળતી માહિતી અનુસાર, પાલડી ચાર રસ્તા પાસે અંદાજે 55 વર્ષ જૂના ‘વર્ધમાન ફ્લેટ’ આવેલા છે. આ બિલ્ડિંગ ઘણી જૂની હોવાના કારણે તેના કેટલાક હિસ્સા લાંબા સમયથી જર્જરિત અને અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હતા. આજે અચાનક આ બિલ્ડિંગના ઉપરના માળની એક ગેલેરીનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. કાટમાળ કડાકાભડાકા સાથે નીચે પડવાના અવાજથી આસપાસના રહીશો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો

કોઈ હાજર ન હોવાથી કુદરતી બચાવ થયો

આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગેલેરીનો આખો કોંક્રિટ સ્લેબ સીધો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પટકાયો હતો. સામાન્ય રીતે આ વિસ્તાર ખૂબ જ ધમધમતો રહેતો હોય છે, પરંતુ સદનસીબે જે સમયે આ સ્લેબ તૂટીને નીચે પડ્યો, તે સમયે તેની બરાબર નીચે કે આસપાસ કોઈ વ્યક્તિ કે બાળક હાજર ન હતું. જો તે સમયે ત્યાં કોઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. કુદરતી કરિશ્માને કારણે એક બહુ મોટી હોનારત ટળી ગઈ છે.

કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

ગેલેરી તૂટવાની ઘટના બનતા જ સોસાયટીના સભ્યો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળીને નીચે પડેલો કાટમાળ હટાવવાની અને તે જગ્યાને સુરક્ષિત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ સાથે જ સ્થાનિક રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વેસ્ટ ઝોનના ઓફિસર અને ફાયડ બ્રિગેડને પણ આ અંગે તાકીદે જાણ કરવામાં આવી છે, જેથી બિલ્ડિંગનો બાકીનો જે હિસ્સો હજુ પણ જર્જરિત અને લટકતો છે તેને તાત્કાલિક ઉતારી લેવાય અને ભવિષ્યનો મોટો ખતરો ટાળી શકાય.


આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં મકાનની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિનું મોત

આ પણ વાંચો: સુરતના માંગરોળમાં ગેલેરીનો સ્લેબ પડતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચો: ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત