Ahmedabad News/ અમદાવાદના પોલીસ અધિકારીની આડવડાઈ! શું આ તમાચા સામે તપાસ કરશે તંત્ર?

ગુરુવારની સવારે લગભગ 11:00 વાગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે કેટલાક પ્રેમી યુગલો નદીના કિનારે ગુટરગુ કરતા હતા. આ સમયે પ્રેમી યુગલ વચ્ચે કોઈ તકરાર થતાં ત્યાં ઉભેલા એક હોમગાર્ડ પોતાની ફરજનો ભાગ સમજી તેને સમજાવવાની કોશિશ કરી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ (Riverfront West) ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એમ. વી. પટેલની અવડચંડાઈનો કિસ્સો આજે સમગ્ર અમદાવાદમાં ચર્ચા રહ્યો છે. કારણ કે પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ પોતાના મિથ્યાભિમાનમાં સબ-ઓર્ડીનેટ્સને સાંભળીને નિર્ણય કરવાને બદલે સીધા જ મારામારી પર ઉતરી આવ્યા. શું છે PI પટેલની આડવડાઈની ઘટના પાછળની કહાની ચાલો એ વિશે આજે વાત કરીએ.

ગુજરાતીમાં એક કહેવત છે કે, “પાડા ના વાંકે પખાલીને ડામ પડ્યા” આવું જ કંઈક રિવરફ્રન્ટ વેસ્ટની આ ઘટનામાં પણ બન્યું છે. જેમાં ગુરુવારે સવારે પી.આઇ. એમ વી પટેલે એક હેડ કોન્સ્ટેબલને મારેલા તમાચાની ગુંજ આજે આખા શહેરમાં ચર્ચાઈ રહી છે.. પણ અહીંયા સવાલ એ થાય છે કે આખરે એક પોલીસ ઇન્સ્પેક્ટરે એક હેડ કોન્સ્ટેબલને લાફો કેમ માર્યો? એવી તો કઈ મોટી ભૂલ ફેડ કોન્સ્ટેબલે કરી કે જેના કારણે પી.આઇ. પટેલે સર જાહેરમાં હેડ કોન્સ્ટેબલને તમાચો મારી દીધો. હકીકત તો એ છે કે આ સવાલનો જવાબ તો મિથ્યાભિમાનમાં ઓતપ્રોત થઈને આવેલા પી.આઇ. એમ વી પટેલને પણ ખબર નથી!

ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગુરુવારની સવારે લગભગ 11:00 વાગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ખાતે કેટલાક પ્રેમી યુગલો નદીના કિનારે ગુટરગુ કરતા હતા. આ સમયે પ્રેમી યુગલ વચ્ચે કોઈ તકરાર થતાં ત્યાં ઉભેલા એક હોમગાર્ડ પોતાની ફરજનો ભાગ સમજી તેને સમજાવવાની કોશિશ કરી. આ દરમિયાનમાં યુવતીને છોડીને યુવક સ્થળ પરથી પલાયન થઈ ગયો. જેના કારણે યુવતી યુવકની આ હરકતથી રડવા લાગી. હોમગાર્ડ યુવતીને સમજાવતો હતો તે દરમિયાનમાં અમદાવાદનો એક હેડ કોન્સ્ટેબલ ત્યાંથી પસાર થતા તે આ હોમગાર્ડને જોઈ ગયો. હોમગાર્ડની સાથે એક યુવતી ઉભી ઉભી રડતી હતી અને કેટલાક લોકો એકત્ર થયેલા હતા. આ દ્રશ્ય જોઈને હેડ કોન્સ્ટેબલ મદદ કરવા ઊભો રહી ગયો. કદાચ આ હેડ કોન્સ્ટેબલની જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક હોત કે પછી પી.આઇ. પટેલ કોઈએ પણ આવું જ કર્યું હોત.

પણ થયું એવું કે પ્રેમી યુગલનો આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તે દરમિયાન પીઆઇ એમ. વી. પટેલ અચાનક ત્યાં આવી પહોંચ્યા. ગુરુવારની સવારના લગભગ 11 વાગ્યા હશે અને પી.આઇ. પટેલની સિવિલ ડ્રેસમાં એન્ટ્રી થઈ. પોતાના હોદ્દા ના ગુમાનમાં આવેલા પીઆઈ પટેલે સ્થળ પર ઉભેલા લોકોને દમ મારવાનું શરૂ કર્યું. આ સમયે ત્યાં ઉભેલા હેડ કોન્સ્ટેબલે સલામ મારીને પીઆઇ એમ.વી. પટેલને પોતાની ઓળખ આપી. ત્યારે પી.આઇ પટેલે તેની વાત સાંભળ્યા વગર અને હેડ કોન્સ્ટેબલે કરેલી મદદની સરાહના કરવાને બદલે સર જાહેરમાં તેને એક તમાચો મારીને બીભત્સ ગાળો બોલવા લાગી અને પીઆઈ તરીકે પોતાનો રોફ જમાવી તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જવા સૂચના આપી. ત્યારે આસપાસમાં ઉભેલા લોકોને પણ આશ્ચર્ય થયું કે મદદ કરવા આવેલા એક હેડ કોન્સ્ટેબલને શા માટે પી.આઇ. એ તમાચો મારી દીધો?

પરેશાન વ્યક્તિની મદદ કરવી એ કોઈ ગુનો નથી અને તેમાં પણ જો તે પોલીસ કર્મચારી હોય તો તે તેની ફરજનો ભાગ કહેવાય. પણ હેડ કોન્સ્ટેબલને મદદ કરવાના બદલામાં રિવોર્ડ તરીકે રિવરફ્રન્ટ ઈસ્ટના પીઆઈ પટેલે કંઈ પણ સાંભળ્યા વગર એક તમાચો ચડાવી દીધો. ડિસિપ્લિન ફોર્સમાં કામ કરતા હોવાને કારણે હેડ કોન્સ્ટેબલ પોતાની ભૂલ ન હોવા છતાં થયેલા અપમાનને ગળી ગયો અને અધિકારીની સુચના મુજબ સ્થળ પરથી રવાના થઈ ગયો. પણ અભિમાનમાં ગળાડૂબ થયેલા પી.આઇ. એમ. વી. પટેલે એ કેમ ભૂલી ગયા કે તેઓ પોતે સિવિલ ડ્રેસમાં હતા. જો કદાચ કોન્સ્ટેબલે તેમને ઓળખ્યા ના હોત અને વળતા જવાબમાં સામે તમાચો ચડાવી દીધો હોત તો સરજાહેરમાં તમારી રેપ્યુટેશન નું શું થાત? પણ સલામ છે એ હેડ કોન્સ્ટેબલને કે જેણે રસ્તા પર મુશ્કેલીમાં દેખાતી વ્યક્તિની મદદ તો કરી અને સાથે સાથે તમાચો ખાઈને વળતો જવાબ આપવાને બદલે ડિસિપ્લિન ફોર્સમાં હોવાના નિયમોનું પાલન પણ કર્યું.

આ ઘટનાના અંતમાં ટૂંકમાં એટલું જ કહેવાનું કે, ઈજ્જત અને આબરૂ દરેક વ્યક્તિને વહાલી હોય છે, તે બાબત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલને સમજવાની જરૂર છે. નહીં તો ક્યારેક એવું ન થાય કે સિવિલ ડ્રેસમાં તમે શો- ઓફ કરવા જાવ અને કોઈ તમારો શો ફ્લોપ કરી દે.

અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટની આ ઘટનામાં રસ્તા પરથી પસાર થતા એક હેડ કોન્સ્ટેબલને મદદ કરવાના બદલામાં તમાચાનું મેડલ મળ્યું છે. ત્યારે તમાચો મારનાર પીઆઇ એમ વી. પટેલ સામે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી ખાતાકીય કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો આ ઘટના જાણ્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ પોલીસ કર્મચારી ક્યારેય શહેરમાં કોઈ મુશ્કેલીમાં દેખાતી વ્યક્તિની મદદ કરવાની ઈચ્છા પણ નહીં ધરાવે.

@સુમન ઠાકોર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને ચખાડ્યો મેથીપાક

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે પકડેલા સાઇબર ક્રિમિનલની પૂછપરછમાં થયો મોટો ખુલાસો