અમદાવાદ
અમદાવાદ શહેરમાં નશાબંધીને લઈને વધતા જતા દારૂના વેપારને ડામવા તેમજ આ કાયદાનો કડક અમલ થાય તે માટે મેગા સર્ચ ઓપરેશન કરાયું હતું. શહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસે રવિવાર સવારથી તવાઇ બોલાવી હતી. અને દારૂનો જથ્થાનો નાશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સરદારનગર, છારાનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમધમતા હતા. જેમાં 8000 લિટર દેશી દારુ બનાવવાની સામગ્રી નાશ કરાઈ છે તેમજ 300 લીટર દેશી દારુનો જથ્થો પણ નાશ કરાયો છે.
શહેરના આ વિસ્તારોમાં ખુલ્લેઆમ ઘેર ઘેર દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હતું. જેની જાણ થતાં 2 ડીસીપી, 4 ACP, અને 20 જેટલા પીઆઇ સહિત 400 પોલીસ કર્મીઓ ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા અલગ અલગ 50થી વધુ કેસ દાખલ કર્યાં છે. પોલીસે દરોડા દરમિયાન દેશી દારૂ વેચતાં ઘરમાંથી પીપળા ભરીને દારૂ બહાર કાઢ્યો હતો. અને દારૂનો નાશ કર્યો હતો.
મહત્વનું છે કે, સરદારનગર અને છારાનગરમાં છેલ્લા કેટલાય સમયથી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. પોલીસ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું પણ આ કાર્યવાહી બાદ પણ સવાલો ઉભા થયા છે. શું પોલીસ આટલા ટાઇમથી ક્યાં સુતી હતી. કેમ આટલા સમય બાદ પોલીસે દરોડા પાડ્યા. તેવા અનેક પ્રશ્નો સત્તાવી રહ્યા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે, પોલીસના ઉચ્ચઅધિકારીઓની કડક કાર્યવાહી બાદ શું આ દારૂના અડ્ડા કાયમને માટે બંધ થઇ જશે કે પછી પહેલાની જેમ થોડાક સમય બાદ ફરી પાછા આ દેશી દારૂના અડ્ડા ચાલુ જ રહેશે એવા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
