Gujarat Missing Children Success Story: ગુજરાત વિધાનસભામાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકોને શોધવામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામ કરે છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં મોટી સફળતા
મંત્રીએ ગૃહમાં આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગુમ થયેલા તમામ 46 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે અને તેમને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલા 152 બાળકોમાંથી 150 બાળકોને સફળતાપૂર્વક શોધી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના માત્ર 2 બાળકોની શોધખોળ હાલમાં ચાલુ છે. આમ, બંને જિલ્લાના મળીને કુલ 198 ગુમ બાળકોમાંથી 196 બાળકોને શોધી કાઢીને પોલીસે તેમના પરિવારની ખુશીઓ પરત અપાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે.

‘ગોલ્ડન અવર્સ’ અને પોલીસની ટેકનિકલ સતર્કતા
મંત્રી કૌશિક વેકરીયાએ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના 24 કલાક એટલે કે ‘ગોલ્ડન અવર્સ’ તપાસની દ્રષ્ટિએ અત્યંત નિર્ણાયક હોય છે. આ સમયગાળામાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા મોબાઈલ CDR ટ્રેકિંગ અને સોશિયલ મીડિયા પર તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, ગુમ થનાર વ્યક્તિ કે અપહરણકર્તા શહેર છોડી ન જાય તે માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે જેવા મુખ્ય માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવે છે.
મિશન વાત્સલ્ય પોર્ટલનો ઉપયોગ
બાળકોના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’ નો ગુજરાતમાં અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે. આ સિસ્ટમ બિનવારસી મળેલા બાળકના ફોટાને ડેટાબેઝ સાથે ઓટોમેટિક મેચ કરીને પરિવાર શોધવામાં મદદ કરે છે.
Children સામેના ગુનામાં ગુજરાત દેશમાં 27માં ક્રમે
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (NCRB) 2023 ના આંકડા ટાંકીને મંત્રીએ જણાવ્યું કે, બાળકો સામેના ગુનામાં ગુજરાત દેશભરમાં 27માં ક્રમે છે. આ બાબત દર્શાવે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ છે.
આ પણ વાંચો: 522 બાળકો ક્યાં ગયા ? ગુજરાત વિધાનસભામાં બાળકો ગુમ થવાનો મુદ્દો ગુંજ્યો
આ પણ વાંચો: ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડે
આ પણ વાંચો: ગુજરાત BJPમાં સંગઠન પુર્નરચનાઃ ત્રણ જિલ્લાના ઉપપ્રમુખો અને મહામંત્રીઓ તથા મંત્રીઓ જાહેર
