Ahmedabad News:ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) તાજેતરમાં એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં જણાવાયું છે કે પત્ની અને સંતાનોને આપવામાં આવતું ભરણપોષણ એટલું વધારે ન હોવું જોઈએ કે તે પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપે અથવા પતિની આવક અને જવાબદારીઓ કરતા અપ્રમાણસર બને. જસ્ટિસ પી.એમ. રાવલે સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ દ્વારા કરાયેલા ભરણપોષણની રકમમાં બમણા વધારાને ગેરવાજબી ગણાવીને તેમાં ઘટાડો કર્યો છે.
આ કેસમાં પતિ તરફથી હાઈકોર્ટમાં (Gujarat High Court) રિટ અરજી કરવામાં આવી હતી. અરજદાર પતિએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટે તેમની પત્નીને માસિક રૂ. 2,500 અને સગીર બાળકને રૂ. 4,000 એમ કુલ રૂ. 6,500ના ભરણપોષણના હુકમમાં કોઈ વાજબી કારણ વિના વધારો કરીને તેને બમણું એટલે કે રૂ. 14,000 કરી દીધું હતું. પતિની આવક આઈટી રિટર્ન અનુસાર માસિક રૂ. 25,900 છે, અને ફેમિલી કોર્ટના આ હુકમને કારણે તેમને તેમની આવકના 50% ભરણપોષણમાં આપવું પડશે, જે તદ્દન ગેરવાજબી છે. વળી, અરજદાર પર તેમની 76 વર્ષની વયોવૃદ્ધ અને બીમાર માતાના ભરણપોષણની પણ જવાબદારી છે.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ભરણપોષણને લઈ કહી આ વાત
ફેમિલી કોર્ટે ભરણપોષણમાં વધારો કરતા જણાવ્યું હતું કે પત્ની કમાતી નથી અને ફુગાવાનો દર વધ્યો છે, તેથી રકમને બમણી કરવી જરૂરી છે. જોકે, હાઈકોર્ટે (Gujarat High Court) આને અપૂર્ણ તર્ક ગણાવ્યો અને કહ્યું કે ફુગાવા અને બદલાયેલા સંજોગોને કારણે ભરણપોષણમાં વધારો થઈ શકે છે, પરંતુ તે એટલું વધુ ન હોવું જોઈએ કે તે પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપે.
જસ્ટિસ પી.એમ. રાવલે તેમના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ભરણપોષણની વ્યવસ્થા પાછળનો સામાજિક ઉદ્દેશ્ય પત્નીની જરૂરિયાતો અને પતિની આવક તથા જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે. તેમણે સુપ્રીમ કોર્ટના એક જૂના ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “પત્નીને આપવામાં આવતું ભરણપોષણ તેને વાજબી જીવનધોરણ જાળવવા માટે હોવું જોઈએ, પરંતુ તે અત્યંત વધુ અથવા વ્યાજબી ન હોવું જોઈએ.”

કોર્ટે નોંધ્યું (Gujarat High Court) કે પત્ની M.Com સુધી શિક્ષિત છે અને તે કમાવવાની ક્ષમતા ધરાવે છે, જોકે તે હાલ કમાતી નથી. તેમ છતાં, પતિની આવકમાં માત્ર થોડો વધારો થયો છે અને તેમની પર વૃદ્ધ માતાની જવાબદારી છે. તેથી, ફેમિલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવીને હાઈકોર્ટે ભરણપોષણની રકમમાં ફેરફાર કર્યો, પત્નીને માસિક રૂ. 2,500 અને સગીર બાળકને રૂ. 6,500 એમ કુલ રૂ. 12,000 કરી દીધું.
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો
આ પણ વાંચો:અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
