Vatva Murder Case Ahmedabad: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ફિલ્મ ‘દ્રશ્યમ’ની યાદ તાજી થઈ જાય. વર્ષ 1992માં બનેલી એક હત્યાનો ભેદ છેક 34 વર્ષ બાદ ઉકેલાયો છે. પ્રેમીએ જ પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને પોતાના જ ઘરના ખાળકૂવામાં દાટી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે જેસીબીની મદદથી મકાન તોડીને કૂવામાંથી હાડકાં અને માનવ અવશેષો શોધી કાઢ્યા છે.
Ahmedabad: શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 1992માં વટવાના કુતુબનગરમાં રહેતા શમશુદ્દીન નામના શખ્સને ફરઝાના ઉર્ફે શબનમ નામની પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હતો. માર્ચ 1992માં જ્યારે ફરઝાના શમશુદ્દીનના ઘરે આવી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી નાખી. પાપ છુપાવવા માટે શમશુદ્દીને પોતાના પરિવારજનોની મદદથી ઘરમાં જ ખાળકૂવો ખોદ્યો, તેમાં લાશ દાટી દીધી અને ઉપર માટી પૂરીને પ્લાસ્ટર કરી દીધું.
સપનામાં આવતી હતી ફરઝાના
વર્ષ 2015માં મુખ્ય આરોપી શમશુદ્દીનનું કુદરતી અવસાન થયું. જોકે, તેના પરિવારજનોને સતત એવો ભ્રમ થતો કે ફરઝાના હજુ પણ તે ઘરમાં જ છે. રાત્રે ડરામણા સપના આવતા હોવાથી પરિવારે તાંત્રિક વિધિઓ કરાવી, પણ કોઈ સુધારો ન થતા તેઓ ઘરને તાળું મારી બીજે રહેવા જતા રહ્યા. જે ભાડુઆતો તે ઘરમાં રહેવા આવ્યા, તેઓ પણ સતત બીમાર રહેતા હોવાથી ઘર ખાલી કરીને ભાગી ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન અને માનવ અવશેષો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બે મહિના પહેલા આ અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ બાદ મકાન તોડી પાડ્યું અને જેસીબીથી ખોદકામ શરૂ કર્યું હતું. આ ઊંડા કૂવામાંથી માટી કાઢતા મહિલાની લાશના અવશેષો મળી આવ્યા હતા, જે અવશેષોને અત્યારે તપાસ માટે FSL (Forensic Science Laboratory) માં મોકલવામાં આવ્યા છે. ઓળખ કાયદેસર રીતે સાબિત થઈ શકે તે માટે ફરઝાનાના ભાઈ સાથે આ અવશેષોનો DNA ટેસ્ટ પણ કરવામાં આવશે.
3 આરોપીઓના મોત, પોલીસ તપાસ તેજ
આ કેસમાં શમશુદ્દીન સહિત ત્રણ મુખ્ય આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. જોકે, ક્રાઈમ બ્રાન્ચ હવે એ તપાસ કરી રહી છે કે લાશ દાટવામાં અન્ય કયા પરિવારજનોએ મદદ કરી હતી. ફરઝાનાનો પરિવાર હજુ પણ આઘાતમાં છે અને અત્યાર સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ પણ વાંચો:અમદાવાદના જમાલપુરમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, ૩ સામે ગુનો દાખલ
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા
આ પણ વાંચો:અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન
