International News : કેનેડાના તેલ સમૃદ્ધ આલ્બર્ટા (Alberta)પ્રાંતમાં દેશથી અલગ થવાની પ્રક્રિયા શરૂ કરવાના પ્રસ્તાવને મતદારોએ નકારી કાઢ્યો છે. પ્રારંભિક પરિણામો મુજબ, આશરે 76 ટકા મતદારોએ કેનેડા સાથે જોડાયેલા રહેવાનું સમર્થન કર્યું, જ્યારે લગભગ 23 ટકા લોકોએ અલગ થવાની પ્રક્રિયા શરૂ કરવાની તરફેણમાં મત આપ્યો. આ પરિણામ વડા પ્રધાન માર્ક કાર્ને (Mark Carney)અને કેનેડાની રાષ્ટ્રીય એકતાના સમર્થકો માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ મતદાન એવા સમયે થયું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ અને કેનેડાને લઈને આપવામાં આવેલી નિવેદનબાજી વચ્ચે બંને દેશોના સંબંધો ચર્ચામાં છે. જોકે, આલ્બર્ટા (Alberta)માં યોજાયેલું મતદાન સીધું સ્વતંત્રતા અંગેનું અંતિમ જનમત નહોતું, પરંતુ કેનેડાથી અલગ થવાની પ્રક્રિયાને આગળ વધારવા માટેનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો.
આલ્બર્ટામાં 76 ટકા લોકોએ કેનેડા સાથે રહેવાનું પસંદ કર્યું
મતગણતરી દરમિયાન સામે આવેલા પ્રારંભિક આંકડા મુજબ, આશરે 76 ટકા મતદારોએ કેનેડા સાથે રહેવાના પક્ષમાં મત આપ્યો હતો. બીજી તરફ, લગભગ 23 ટકા મતદારોએ અલગ થવાની પ્રક્રિયા શરૂ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ પરિણામથી આલ્બર્ટા (Alberta)ની સ્વતંત્રતાની માગને મોટો ઝટકો લાગ્યો છે.
વડા પ્રધાન માર્ક કાર્નેએ પરિણામ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આલ્બર્ટાના લોકોએ રાષ્ટ્રીય એકતા અને કેનેડા સાથેના સહિયારા ભવિષ્યને પસંદ કર્યું છે. તેમના મતે, આ પરિણામ સમગ્ર દેશ માટે એકતાનો સંદેશ આપે છે.
13.5 લાખથી વધુ મતદારોએ ભાગ લીધો
આ લોકમતમાં 13.5 લાખથી વધુ મતદારોએ ભાગ લીધો હતો. આ સંખ્યા પ્રાંતના લાયક મતદારોના આશરે 43 ટકા જેટલી હતી. મતદાન દરમિયાન કેટલાક મતદાન મથકો મોડા ખુલવાને કારણે સોમવારે 100થી વધુ કેન્દ્રો પર મતદાનનો સમય વધારવામાં આવ્યો હતો.
અલગતાવાદ વિરોધી અભિયાન સાથે જોડાયેલા આલ્બર્ટા (Alberta)ના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન થોમસ લુકાશુકે પરિણામને આવકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેનેડા એક મજબૂત દેશ છે અને તેની એકતા (Canada Unity)જાળવવી જરૂરી છે.
તેલના ભંડાર છતાં કેન્દ્ર સરકાર સામે નારાજગી
આલ્બર્ટા વિશ્વના ચોથા સૌથી મોટા સાબિત થયેલા તેલ ભંડાર ધરાવતા વિસ્તારોમાંનું એક છે. પ્રાંતમાં લાંબા સમયથી સંઘીય સરકારની નીતિઓ સામે નારાજગી જોવા મળી રહી છે. જોકે, આ અસંતોષ અત્યાર સુધી મોટા પાયે સ્વતંત્રતાના સમર્થનમાં ફેરવાયો નથી.
પ્રાંતનાં મુખ્ય પ્રધાન ડેનિયલ સ્મિથે પોતાની યુનાઇટેડ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અલગતાવાદી જૂથોના દબાણ વચ્ચે આ મતદાન યોજાવા દીધું હતું, પરંતુ તેઓ પોતે સ્વતંત્રતાના સમર્થક નથી. બીજી તરફ, અલગતાવાદી જૂથોએ સ્પષ્ટ કર્યું છે કે પ્રસ્તાવને મળેલી હારથી તેમનું આંદોલન સમાપ્ત નહીં થાય.
ઇમિગ્રેશન અને સામાજિક સેવાઓના મુદ્દે પણ મતદાન
અલગ થવાના પ્રસ્તાવ ઉપરાંત લોકમતમાં ઇમિગ્રેશન, સામાજિક સેવાઓ અને પ્રાંતીય તથા સંઘીય સરકારો વચ્ચેની સત્તાની વહેંચણી સંબંધિત અન્ય નવ પ્રશ્નો પણ સામેલ હતા.
પ્રારંભિક પરિણામો મુજબ, 57 ટકા મતદારોએ ઇમિગ્રેશન નિયંત્રણ સંબંધિત દરખાસ્તને (Immigration Policy)સમર્થન આપ્યું હતું. નવા આવનારાઓને સામાજિક સેવાઓ આપવા અંગેના પ્રશ્નને 55 ટકા અને બિન-કાયમી રહેવાસીઓના આરોગ્ય ખર્ચ અંગેના પ્રસ્તાવને 54.3 ટકા મત મળ્યા હતા. જ્યારે 58.9 ટકા મતદારોએ મતદાન માટે નાગરિકતાનો પુરાવો ફરજિયાત બનાવવાના વિચારને સમર્થન આપ્યું હતું.
આ પરિણામો દર્શાવે છે કે આલ્બર્ટાના મતદારોમાં કેનેડાથી અલગ થવા કરતાં ઇમિગ્રેશન, જાહેર સેવાઓ અને પ્રાંતીય સત્તાઓ જેવા મુદ્દાઓ પણ મહત્વ ધરાવે છે. જોકે, અન્ય પ્રશ્નોના અંતિમ પરિણામો જાહેર થયા બાદ જ તેમની રાજકીય અસરનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.
