Ahmedabad News/ અમદાવાદની જાણીતી ગ્વાલિયા રેસ્ટોરન્ટના ઘેવરમાંથી વાળ નીકળ્યાનો આક્ષેપ, ગ્રાહકે વીડિયો બનાવી ઉઠાવ્યા સવાલ

Gwalior Restaurant: અમદાવાદના સિંધુભવન રોડની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ખરીદેલા ઘેવરમાં વાળ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સંચાલકના જવાબને લઈને સવાલો ઉઠ્યા.

Top Stories Gujarat
Gwalior Restaurant

Gwalior Restaurant Ahmedabad News:અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ખરીદવામાં આવેલા ઘેવરમાંથી વાળ નીકળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. બાવળાના એક ગ્રાહકે મીઠાઈનું પાર્સલ ઘરે ખોલ્યું ત્યારે ઘેવરમાં વાળ જોવા મળ્યો હોવાનો દાવો કર્યો છે. ઘટનાનો વીડિયો બનાવી ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને મોકલ્યો હતો.

મળતી માહિતી મુજબ, બાવળાના મૌલિક ભરવાડે અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ઘેવર ખરીદ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ પાર્સલ ખોલતાં ઘેવરમાં વાળ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રેસ્ટોરન્ટના જવાબદાર વ્યક્તિને મોકલ્યો હતો.

ગ્રાહકના જણાવ્યા મુજબ, રેસ્ટોરન્ટ તરફથી વાળ હોવાની વાત સ્વીકારવામાં આવી હતી. જોકે, ફરિયાદ અંગે માફી માંગવા કે સંતોષકારક જવાબ આપવાને બદલે ‘તમારે શું કરવું છે?’ એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ગ્રાહકે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે પણ સામે પક્ષેથી માત્ર ‘સારું’ કહીને વાત પૂર્ણ કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને ગ્રાહકે ખાદ્યપદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને બાળકો સહિતના લોકો મીઠાઈનું સેવન કરતા હોય ત્યારે આવી બેદરકારીથી આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ગ્વાલિયા રેસ્ટોરન્ટ અમદાવાદમાં જાણીતી સ્વીટ શોપ તરીકે ઓળખાય છે અને તહેવારો દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી થતી હોય છે. ત્યારે આક્ષેપિત ઘટનાને પગલે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેની તપાસની માંગ ઉઠી છે.

હાલ આ મામલે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી. જો ફરિયાદની સત્તાવાર તપાસ થાય તો સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકે છે. રેસ્ટોરન્ટ તરફથી આ આક્ષેપ અંગે સત્તાવાર સ્પષ્ટતા થાય છે કે નહીં, તે પણ જોવાનું રહેશે.


આ પણ વાંચો: અમદાવાદમાં McDonald’s રેસ્ટોરન્ટ સીલ: વેજ બર્ગરની જગ્યાએ ચિકન બર્ગર ડિલિવર થતાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી

આ પણ વાંચો: અમદાવાદમાં McDonald’s રેસ્ટોરન્ટ સીલ: વેજ બર્ગરની જગ્યાએ ચિકન બર્ગર ડિલિવર થતાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી

આ પણ વાંચો: અમદાવાદના ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટમાં પાઉંમાંથી જીવાત મળ્યાનો આક્ષેપ, AMCએ ₹25 હજારનો દંડ ફટકાર્યો