Ambaji Temple Chaitri Poonam: આજે ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ પૂનમનું વિશેષ મહત્વ હોવાથી લાખો ભક્તો શિશ નમાવવા પહોંચ્યા છે.

Ambaji Temple: શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો
યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરના ચાચર ચોકથી લઈને છેક શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી છે. માઈભક્તોના ‘જય અંબે’ના નાદથી આખું અંબાજી ગુંજી ઉઠ્યું છે. ભક્તોની ભારે ભીડને જોતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને દર્શનની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.
રંગબેરંગી ફૂલોનો અદભૂત શણગાર
ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને દેશ-વિદેશના મનમોહક અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. માતાજીના ગર્ભગૃહથી લઈને શિખર સુધીની રોશની અને ફૂલોની સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

મંગળા આરતીમાં ઉમટી ભીડ
વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તોએ ભાવવિભોર બની મા અંબાની આરાધના કરી હતી. આ સાથે જ મંદિર પરિસરમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશજી અને અંબિકેશ્વર મહાદેવની પણ વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
