Ahmedabad Thaltej Lake Development Project: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ ગામના તળાવના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી વહીવટી અવરોધો અને જમીનના પ્રશ્નોને કારણે અટવાયેલો આ પ્રોજેક્ટ હવે ગતિ પકડશે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તળાવના વિકાસના પ્રથમ તબક્કા માટે રૂ. 4.48 કરોડના ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે.
વસ્ત્રાપુર અને શિલજ તળાવ જેવું વિશાળ હશે ‘Thaltej Lake‘
થલતેજનું આ કુદરતી જળસ્ત્રોત પશ્ચિમ અમદાવાદના સૌથી મોટા તળાવોમાંનું એક છે. આ તળાવ અંદાજે 1.38 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે કદમાં શહેરના પ્રખ્યાત વસ્ત્રાપુર અને શિલજ તળાવની સમકક્ષ છે. પ્રથમ તબક્કામાં 84,819 ચોરસ મીટર જમીન પર વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં શું કામ થશે?
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ ફેઝમાં મુખ્યત્વે સિવિલ વર્ક પર ભાર મૂકવામાં આવશે. આ કામગીરીમાં તળાવની આસપાસ સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવું, તળાવની હદ નક્કી કરી તેનું સીમાંકન કરવું અને તળાવની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો તેમજ બાંધકામો દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
દબાણો દૂર કરી પુનઃવસન કરાશે
તળાવના પ્લોટ નંબર 380 અને 382 પર જે અતિક્રમણ થયેલું છે, તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. તંત્ર દ્વારા આ દબાણો હટાવતા પહેલા ત્યાં રહેતા લોકોના પુનઃવસનની યોજના પણ બનાવવામાં આવી છે. એકવાર જમીન ખાલી થયા પછી, આગામી તબક્કામાં તળાવના બ્યુટિફિકેશન અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

કેમ 15 વર્ષ સુધી પ્રોજેક્ટ અટવાયો?
થલતેજ ગામનો AMCમાં સમાવેશ થયા બાદ અધિકારક્ષેત્રના ફેરફાર, જમીનના રેકોર્ડની વિસંગતતા અને વહીવટી મંજૂરીઓમાં વિલંબને કારણે આ પ્રોજેક્ટ વર્ષો સુધી ફાઈલોમાં દબાયેલો રહ્યો હતો. હવે મંજૂરી મળતા સ્થાનિક રહીશોમાં આનંદની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ તળાવ વિકસિત થવાથી વિસ્તારમાં ગ્રીન કવર વધશે અને વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓ મળશે.
આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ
