AMC Property Tax Interest Waiver Scheme 2025-26 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે અમલમાં મુકાયેલી ‘વ્યાજ માફી યોજના 2025-26’ ના પ્રથમ મહિને જ અભૂતપૂર્વ સફળતા મળી છે. જાન્યુઆરી મહિનામાં શહેરના સાતેય ઝોનમાંથી અંદાજે ₹128.05 કરોડની નેટ આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના કરદાતાઓએ સૌથી વધુ ઉત્સાહ બતાવ્યો છે.

AMC : કયા ઝોનમાંથી કેટલી આવક થઈ?
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા ઝોન મુજબની આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોન ₹28.38 કરોડની આવક સાથે સૌથી મોખરે રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાંથી ₹22.36 કરોડ, સેન્ટ્રલ ઝોનમાંથી ₹18.49 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી ₹17.77 કરોડ, પૂર્વ ઝોનમાંથી ₹16.37 કરોડ, દક્ષિણ ઝોનમાંથી ₹13.47 કરોડ અને ઉત્તર ઝોનમાંથી ₹11.20 કરોડની આવક નોંધાઈ છે.
99,904 કરદાતાઓએ વ્યાજમાં મેળવી મોટી રાહત
AMC ના આંકડા મુજબ, 1 થી 31 જાન્યુઆરી દરમિયાન 99,904 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. કુલ ગ્રોસ કલેક્શન ₹143.19 કરોડ રહ્યું હતું, જેમાંથી ₹15.14 કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે. વ્યાજ માફી છતાં ટેક્સની વસૂલાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ફેબ્રુઆરી અને માર્ચમાં કેટલી મળશે રાહત?
ચેરમેન ઝાલાએ ટેક્સ વસૂલાત માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ આવતી રહેણાંક અને વ્યાપારી બંને મિલકતો પર માર્ચ 2026 સુધી 100% વ્યાજ માફીનો લાભ મળતો રહેશે. નવી ટેક્સ ફોર્મ્યુલાના કિસ્સામાં, રહેણાંક મિલકતો માટે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી નક્કી કરવામાં આવી છે, જ્યારે વ્યાપારી મિલકતો માટે ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% વ્યાજ માફી મળશે. આ ઉપરાંત, તમામ રહેણાંક ઝૂંપડાઓ અને ચાલીઓને 31 માર્ચ સુધી 100% વ્યાજ માફીનો લાભ આપવામાં આવશે. ખાસ નોંધવું કે આ યોજના માત્ર જૂના બાકી લેણાં માટે જ છે અને ચાલુ નાણાકીય વર્ષના ટેક્સ પર કોઈ રિબેટ મળવાપાત્ર નથી.

વર્ષ દરમિયાનની કુલ આવકમાં 11.5% નો વધારો
એપ્રિલ 1, 2025 થી જાન્યુઆરી 31, 2026 સુધીમાં કુલ ₹1,493.62 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલાયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ₹153.74 કરોડ વધુ છે. આ ઉપરાંત, વ્યાવસાયિક ટેક્સ (Professional Tax) માં અંદાજે ₹217.15 કરોડ અને વ્હીકલ ટેક્સમાં ₹197.93 કરોડની આવક થઈ છે.
આ પણ વાંચો: બજેટમાં મધ્યમવર્ગ માટે ટેક્સમાં રાહત: જાણો મહત્વના પગલાં
આ પણ વાંચો: ભારતનો GDP ગ્રોથ 7% થી વધુ રહેવાનો અંદાજ, બજેટ પહેલા અર્થતંત્રના સારા સમાચાર
