New Delhi: દેશમાં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામે શરૂ થયેલું વ્યંગાત્મક અભિયાન ભારે ચર્ચામાં રહ્યું છે. હવે આ ચર્ચા વચ્ચે એક નવી પાર્ટી ‘ઓગી જનતા પાર્ટી’ (OJP) પણ મેદાનમાં આવી ગઈ છે. કાર્ટૂન સીરિઝ Oggy and the Cockroaches (OJP Vs CJP) થી પ્રેરાયેલી આ પાર્ટી સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનો વિષય બની રહી છે.
તાજેતરમાં દેશના મુખ્ય ન્યાયાધીશ દ્વારા યુવાઓને લઈને કરાયેલી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર CJP નામનું અભિયાન શરૂ થયું હતું. થોડા જ દિવસોમાં આ એકાઉન્ટે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર તેને ભારે લોકપ્રિયતા મળી હતી. જોકે, ભારતમાં તેનું X (ટ્વિટર) હેન્ડલ બંધ થવાની પણ ચર્ચા ચાલી રહી છે.
OJP Vs CJP: OJPએ CJP પર સાધ્યું નિશાન
આ વચ્ચે હવે OJP એટલે કે ‘ઓગી જનતા પાર્ટી’એ સીજેપી સામે મોરચો ખોલ્યો છે. OJPની વેબસાઈટ મુજબ, તેમનું મુખ્ય લક્ષ્ય “દરેક પ્રકારના કોકરોચનો વિનાશ” છે. પાર્ટીના સૂત્રમાં વ્યંગાત્મક અંદાજમાં લખાયું છે કે “કોઈ પણ સાઈઝ, કોઈ પણ જાતિના કોકરોચ બચશે નહીં.”
OJPએ CJP (OJP Vs CJP)ના ફાઉન્ડર અભિજીત દીપક પર પણ સીધા સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે તેમનો આમ આદમી પાર્ટી (AAP) સાથે શું સંબંધ છે. સોશિયલ મીડિયા પર શેર થયેલી જૂની પોસ્ટના આધારે OJPએ દાવો કર્યો કે અભિજીત દીપકે બોસ્ટન જતાં પહેલાં મનિષ સિસોદિયાનો આભાર માન્યો હતો.આ સાથે OJPએ CJP (OJP Vs CJP)ની વિચારસરણી પર પણ આકરી ટીકા કરી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો શેર કરીને લખ્યું કે “દેશના યુવાઓ પોતાને કોકરોચ કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે, જે બેરોજગારી અને નિરાશાનું પ્રતિબિંબ છે.”
માત્ર રાજકીય વ્યંગ સુધી સીમિત ન રહી OJPએ પશુ કલ્યાણને લઈને પણ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં પશુઓ માટે મફત હેલ્થકેર, વધુ શેલ્ટર હોમ, મજબૂત કાયદા અને એડોપ્શન અભિયાન ચલાવવાની વાત કરવામાં આવી છે. સાથે જ NEET પેપર લીક મુદ્દે પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ પણ કરવામાં આવી છે.
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ, IUML અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક યુવા નેતાઓ તરફથી સમર્થન મળ્યાની ચર્ચા છે. અનેક વિદ્યાર્થી સંગઠનોએ પણ આ વ્યંગાત્મક અભિયાનને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે.હાલ સોશિયલ મીડિયા પર OJP અને CJP વચ્ચેની આ વર્ચ્યુઅલ લડાઈ યુવાનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન
આ પણ વાંચો:X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો
