Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટેક્સ વિભાગે ચાલુ વર્ષે આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તા. 29 માર્ચ, 2025 સુધીમાં કોર્પોરેશનની કુલ ટેક્સ આવક રૂ. 2218.29 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે AMCના ઇતિહાસમાં એક વર્ષમાં સૌથી વધુ છે. ટેક્સ વિભાગના ત્રણેય મુખ્ય વિભાગો – પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ અને વ્હીકલ ટેક્સ – એ ગત વર્ષની સરખામણીમાં વધુ આવક નોંધાવી છે.
ગઈકાલે, તા. 28 માર્ચ 2025ના રોજ એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 20.42 કરોડ રહી હતી, જે દર્શાવે છે કે નાગરિકો ટેક્સ ભરવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે.
આ વર્ષે પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 1704.08 કરોડ, પ્રોફેશન ટેક્સની આવક રૂ. 218.42 કરોડ અને વ્હીકલ ટેક્સની આવક રૂ. 222.91 કરોડ નોંધાઈ છે. આ ઉપરાંત, નામ ટ્રાન્સફર ફી દ્વારા રૂ. 21.88 કરોડની આવક થઈ છે. આમ પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ, વ્હીકલ ટેક્સ અને નામ ટ્રાન્સફર ફી સહિત કુલ રૂ. 2218.29 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ આંકડો ગત વર્ષની કુલ આવક રૂ. 2152.82 કરોડ કરતાં રૂ. 65.47 કરોડ વધુ છે.
પ્રોપર્ટી ટેક્સની આવક વધારવામાં AMC દ્વારા શરૂ કરવામાં આવેલી ઇન્સેન્ટિવ રિબેટ યોજનાનું મહત્વનું યોગદાન રહ્યું છે. તા. 14 માર્ચ 2025 થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત જૂના બાકી ટેક્સ પર ચઢેલા વ્યાજની રકમ ધરાવતા લોકો માટે વિશેષ રાહત આપવામાં આવી રહી છે. જે કોઈપણ રહેણાંક અથવા બિન-રહેણાંક મિલકતના કરદાતા વર્ષ 2024-25 સુધીનો સંપૂર્ણ ટેક્સ ભરે છે, તેઓને વર્ષ 2023-24 સુધીના જૂની અને નવી ફોર્મ્યુલાના વ્યાજની રકમમાં 100% થી 75% સુધી ઇન્સેન્ટિવ અથવા રિબેટનો લાભ મળી રહ્યો છે.
આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે, જેનો પુરાવો એ છે કે, 14મી માર્ચ, 2025થી તા. 29 માર્ચ, 2025 સુધીમાં 1,04,811 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ સમયગાળા દરમિયાન ગ્રોસ આવક રૂ. 210.47 કરોડ રહી હતી, જ્યારે વ્યાજ માફી રૂ. 47.11 કરોડ આપવામાં આવી હતી. આમ યોજના દરમિયાન નેટ આવક રૂ. 183.36 કરોડ નોંધાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઇન્સેન્ટિવ અને રિબેટ યોજનાનો લાભ લે અને સીલ તેમજ હરાજી જેવી કાર્યવાહીથી બચે. કોર્પોરેશનનો ટેક્સની આવકમાં થયેલો આ વધારો શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે.
આ પણ વાંચો: AMC ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા, એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડ્યા
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો AMC માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1003 કરોડ કર્યા મંજૂર
આ પણ વાંચો: જન્મ મરણના સર્ટિફિકેટ મેળવવા થયા મોંઘા, રાજ્ય સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય