Board Exam Action Plan Mehsana: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની પરીક્ષાઓ આગામી ૨૬ ફેબ્રુઆરી 2026 થી 18 માર્ચ 2026 દરમિયાન યોજાનાર છે. મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બિપીનચંદ્ર એન. પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી પરીક્ષા આપી શકે તે માટે ‘એક્શન પ્લાન – 2026’ રજૂ કરવામાં આવ્યો છે.
Board Exam પરીક્ષાર્થીઓની આંકડાકીય વિગત
આ વર્ષે મહેસાણા જિલ્લામાં કુલ 50,042 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે, જેમના માટે શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 (SSC) માં 30,106 પરીક્ષાર્થીઓ 43 કેન્દ્રો અને 113 બિલ્ડીંગો પરથી પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21 કેન્દ્રો અને 57 બિલ્ડીંગો પર 16,079 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 09 કેન્દ્રો અને 21 બિલ્ડીંગોની ફાળવણી કરવામાં આવી છે, જ્યાં કુલ 3,857 વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપશે.

ચુસ્ત સુરક્ષા અને મોનિટરિંગ
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો અને બ્લોક CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેનું સતત મોનિટરિંગ વ્યુઈંગ ટીમ દ્વારા કરવામાં આવશે. સુચારુ સંચાલન માટે એસ.એસ.સી. માટે 3 ઝોન અને એચ.એસ.સી. માટે 2 ઝોનની રચના કરવામાં આવી છે, સાથે જ ગેરરીતિ અટકાવવા માટે આકસ્મિક તપાસ કરતી ફ્લાઈંગ સ્કવોર્ડ પણ કાર્યરત રહેશે. વધુમાં, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા અને કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક હુકમો પણ લાગુ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે ‘કાઉન્સેલિંગ’ સુવિધા
વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર થાય અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે જિલ્લામાં તાલુકા દીઠ કાઉન્સેલર્સની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ કોઈપણ મૂંઝવણ માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ નંબર 02762-221171 પર સંપર્ક કરી શકશે.
પરીક્ષા કેન્દ્રો પર ખાસ સૂચનાઓ
પરીક્ષા કેન્દ્રો પર શિસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય કરતાં 1 કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ચેકિંગમાં સમય ન બગડે તે માટે વિદ્યાર્થીઓએ બૂટ-મોજા કેન્દ્રની બહાર કાઢીને પ્રવેશ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જોકે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માત્ર સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે.
