PQRST Technique for Students: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓમાં વિષયનો ફોબિયા, ડિપ્રેશન અને વાંચેલું ભુલાઈ જવાની ફરિયાદો વધી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓને ફ્રી કાઉન્સિલિંગ દ્વારા મદદ કરી રહ્યું છે.
યાદશક્તિ માટે રામબાણ: PQRST Technique
મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશીએ વિદ્યાર્થીઓને વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવા માટે PQRST Technique અપનાવવા સૂચન કર્યું છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે જો વિદ્યાર્થીઓ વાંચતી વખતે પોતાની પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય છે.
વાંચવાની સાચી રીત
વાંચન અને એકાગ્રતા વધારવા માટે માત્ર મનમાં વાંચવાને બદલે પાંચેય ઇન્દ્રિયોનો સક્રિય ઉપયોગ કરવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ પદ્ધતિમાં બોલીને વાંચવું, આંખોથી શબ્દોને ધ્યાનપૂર્વક જોવા અને જો શક્ય હોય તો ચાલતા-ચાલતા વાંચવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી મગજ વધુ સક્રિય રહે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને વારંવાર ધ્યાન ભટકવાની કે એકાગ્રતા ગુમાવવાની સમસ્યા સતાવતી હોય, તેમણે મોટેથી બોલીને વાંચવું જોઈએ; આ કરવાથી ધ્યાનનું વિભાજન અટકે છે અને વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ મળે છે.

મોબાઇલનું વળગણ અને પરીક્ષાનો તણાવ
કાઉન્સિલિંગ દરમિયાન એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ સતત મોબાઇલના નોટિફિકેશનને કારણે વાંચી શકતા નથી. ડો. ધારા દોશીએ સલાહ આપી છે કે મોબાઈલના મેસેજ ક્યાંય જતા રહેવાના નથી, તેથી સતત વાંચન બાદ જ્યારે તમે રિલેક્સ થવા માંગતા હોય ત્યારે જ મર્યાદિત સમય માટે મોબાઈલનો ઉપયોગ કરો.
વાલીઓ માટે મહત્વનો સંદેશ
માતા-પિતાએ પોતાના સંતાનો પર ચોક્કસ ક્ષેત્ર (જેમ કે સાયન્સ) માં જવાની જીદ ન કરવી જોઈએ. આર્ટસ, કોમર્સ કે સોશિયલ સાયન્સ- દરેક ક્ષેત્રનું પોતાનું મહત્વ છે. બાળકને તેની રસ-રુચિ મુજબ આગળ વધવા દેવામાં આવે તો જ તે સફળ થશે.
સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રિનિંગ કેમ્પ
કાઉન્સિલિંગ કરનાર જીલ દવેએ જણાવ્યું કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવા ‘સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રિનિંગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓટો સઝેશન અને રિલેક્સેશન થેરાપી દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી માનસિક તાણ અનુભવતો હોય, તો તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સંપર્ક કરી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે.
