US-Iran tensions rise: અમેરિકા (America) અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ શનિવારે ચેતવણી આપી હતી કે જો જરૂરી બનશે તો તે ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેહરાન સાથે થનારા કોઈપણ સંભવિત કરારમાં ઈરાનની પરમાણુ હથિયાર બનાવવાની મહત્વાકાંક્ષાઓ પર કાયમી વિરામ લગાવવો આવશ્યક રહેશે.
આ દરમિયાન અમેરિકાએ ઈરાનના બંદરો સામે નૌકાદળની નાકાબંધી અમલમાં મૂકી હોવાનું જણાવાયું છે. તેના જવાબમાં ઈરાને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોના અવરજવરને અસરકારક રીતે રોકી દીધી છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, ઈરાનના બંદર તરફ જઈ રહેલા ગેમ્બિયા ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજને મિસાઇલ હુમલો કરીને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ યુદ્ધ સમાપ્ત કરવા માટેનો એક પ્રસ્તાવ તૈયાર છે, પરંતુ તેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની અંતિમ મંજૂરી બાકી છે. શુક્રવારે વ્હાઇટ હાઉસના સિટ્યુએશન રૂમમાં યોજાયેલી બેઠક બાદ પણ ટ્રમ્પે કોઈ અંતિમ નિર્ણય લીધો નહોતો.
જરૂર પડશે તો ફરી યુદ્ધ શરૂ કરીશું: અમેરીકા (America)
સિંગાપુરમાં યોજાયેલા એક રક્ષા સંમેલનમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે અમેરિકા જરૂર પડ્યે ફરી યુદ્ધ શરૂ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને તેની પાસે પૂરતો શસ્ત્રસંગ્રહ ઉપલબ્ધ છે. તેમના આ નિવેદનથી સંભવિત સમજૂતી અને સૈન્ય કાર્યવાહી અંગે વિરોધાભાસી સંકેતો સામે આવ્યા છે.
વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે ટ્રમ્પ સંભવિત કરાર પર વિચારણા કરી રહ્યા છે, જ્યારે ઈરાની અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી. ઈરાને ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગના સંચાલન મુદ્દે પોતાનું વલણ યથાવત રાખ્યું છે.
એક અહેવાલ મુજબ યુદ્ધ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પ શું નિર્ણય લે છે તેની આતુરતાપૂર્વક સમગ્ર ઈરાનમાં રાહ જોવાઈ રહી છે. ઉત્તર ઈરાનના માઝંદરાન પ્રાંતના એક ઈજનેર અલીનું કહેવું છે કે જો કોઈ પ્રસ્તાવ આવશે તો પણ સામાન્ય લોકોને તેનાથી ખાસ ફાયદો થવાનો નથી.
ઈરાનના કેટલાક કટ્ટરપંથી નેતાઓએ પણ અમેરિકા સાથે સંભવિત કરારનો વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે આ પ્રકારનો કરાર ઈરાન માટે વધુ પડતો સમાધાનકારી સાબિત થઈ શકે છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે હજુ સુધી કોઈ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. બંને દેશો વચ્ચે સંદેશાવ્યવહાર ચાલુ છે. હોર્મુઝ જળમાર્ગ અંગે તેમણે કહ્યું હતું કે તેનું સંચાલન માત્ર ઈરાન અને ઓમાનનો વિષય છે.
બીજી તરફ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે હોર્મુઝ વિસ્તારમાં ઈરાની બંદરો પરની નૌકાદળ નાકાબંધી હટાવવામાં આવી રહી છે, જેથી જહાજોની અવરજવર કોઈ ટોલ વિના સરળતાથી થઈ શકશે.
અતિશય માંગણીઓ કરીને ફરી એકવાર વિશ્વાસઘાત કરી રહ્યા છે: મોજતબા ખામેનેઈ
અહેવાલ મુજબ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના સલાહકાર મોહસેન રેઝાઈએ ટ્રમ્પ પર આરોપ મૂક્યો છે કે તેઓ નાકાબંધી જાળવી રાખીને અને વાટાઘાટોમાં અતિશય માંગણીઓ કરીને ફરી એકવાર વિશ્વાસઘાત કરી રહ્યા છે.
