New Delhi News: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના 29 વિધાનસભાના અધ્યક્ષો તેમજ 6 રાજ્યોના વિધાનસભા પરિષદોના અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોની હાજરીમાં આ ઉદ્ઘાટન કરાશે
24 ઓગસ્ટ, 1925ના રોજ, વિઠ્ઠલભાઈ પટેલને કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા તેના 100 વર્ષ પૂર્ણ થવા પર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિઠ્ઠલભાઈ પટેલની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર તેમજ અનેક કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ ભાગ લેશે. કોન્ફરન્સના બીજા દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોન્ફરન્સને સંબોધશે.
દિલ્હી વિધાનસભા કેમ પસંદ કરાઈ?
હાલની દિલ્હી વિધાનસભાની ઇમારત 1912માં બાંધવામાં આવી હતી, જેના ડિઝાઇનર ઇ. મોન્ટેગ થોમસ હતા. બ્રિટિશ શાસન દરમિયાન આ ઇમારત કેન્દ્રીય વિધાનસભા તરીકે ઓળખાતી હતી.
અહીં જ 8 એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો. આ ઘટનાનો હેતુ જાનહાનિ કરવો નહોતો, પરંતુ બ્રિટિશ શાસન સામે ક્રાંતિકારી સંદેશ પહોંચાડવાનો હતો. બંન્ને ક્રાંતિકારીઓ સ્થળેથી ભાગ્યા નહોતા, પરંતુ “ઇન્કલાબ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા બાદ સરેન્ડર થયા હતા.
બટુકેશ્વર દત્તને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને સેલ્યુલર જેલ (કાલાપાણી), આંદામાન-નિકોબાર મોકલાયા હતા. જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 24 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

કોન્ફરન્સ પૂર્વેની બેઠક
લગભગ એક મહિના પહેલા 14 જુલાઈએ, ભોપાલમાં સાત રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમના અધ્યક્ષો તથા સચિવોએ હાજરી આપી હતી.
આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ
આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા
