Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah Gujarat Visit) 27 ઓગસ્ટે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમિત શાહના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત અમરેલીમાં જાહેરસભાને સંબોધશે અને ગાંધીનગરમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે.
બોપલ-ઘુમામાં પાણી ભરાવાના મુદ્દે લોક દરબાર
જુલાઈમાં પડેલા ભારે વરસાદ બાદ બોપલ અને ઘુમા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતા આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.
બોપલ-ઘુમા વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યાને આશરે પાંચ વર્ષ થયા હોવા છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ મુદ્દે અમિત શાહ (Amit Shah Gujarat Visit) સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે લોક દરબાર યોજશે. અહીં નાગરિકોની સમસ્યાઓ સીધી સાંભળવામાં આવશે. લોક દરબાર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), AUDA અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. સ્થાનિક પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે.
Amit Shah Gujarat Visit: અમરેલીમાં જાહેરસભાને સંબોધશે
અમિત શાહ (Amit Shah Gujarat Visit) પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલીમાં જાહેરસભાને પણ સંબોધશે. આ સભા મારફતે તેઓ સ્થાનિક કાર્યકરો અને નાગરિકો સાથે જનસંવાદ કરશે. અમરેલી કાર્યક્રમને લઈને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સભામાં સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત સંગઠન અને આગામી રાજકીય કાર્યક્રમોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.
ગાંધીનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ
પ્રવાસ દરમિયાન અમિત શાહ (Amit Shah Gujarat Visit) ગાંધીનગરમાં નવા તૈયાર કરવામાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે. બેઠકમાં સંગઠનની કામગીરીની સમીક્ષા, આગામી કાર્યક્રમો અને સ્થાનિક ચૂંટણીઓને લઈને સંગઠનની તૈયારીઓ અંગે ચર્ચા થઈ શકે છે.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા
ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારા મોટા રમતગમતના આયોજનને લઈને પણ અમિત શાહ (Amit Shah Gujarat Visit) ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરશે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ સાથે સંબંધિત તૈયારીઓ અને વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે. આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને અન્ય તૈયારીઓ અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.
લોક દરબાર માટે તંત્રની તૈયારીઓ શરૂ
અમિત શાહ (Amit Shah Gujarat Visit)ના લોક દરબારને લઈને અમદાવાદમાં વહીવટી અને સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મેયર હિતેશ બારોટ, મહામંત્રી દર્શક ઠાકર તેમજ સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન લોક દરબારના સ્થળ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે 27 ઓગસ્ટના અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન બોપલ-ઘુમાની પાણી ભરાવાની સમસ્યા અંગે શું મહત્વના નિર્ણયો લેવામાં આવે છે અને સ્થાનિકોને કાયમી ઉકેલ માટે શું દિશાનિર્દેશ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:ચોમાસુ સત્રના 4 દિવસ બાકી, કોંગ્રેસ નેતા જયરામ રમેશે અમિત શાહ અને PM મોદી પર કર્યા આકરા પ્રહાર
આ પણ વાંચો:ખરગેનો અમિત શાહ પર પ્રહાર: ‘થોડી પણ શરમ હોય તો રાજીનામું આપો’, Doxingનો પણ લગાવ્યો આરોપ
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે કરશે મહત્વની બેઠકો
