Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં આગ લાગતાં બે યુવકોનાં મોતની ઘટનામાં હત્યાનો મામલો (Amreli Double Murder) સામે આવ્યો છે. ગાડીમાં સૂઈ રહેલા 16 વર્ષના સગીર અને 21 વર્ષના યુવકના મૃતદેહ આગમાં અડધા બળેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ગાડીના કબજા અને ₹60 હજારની નાણાકીય લેતીદેતીના વિવાદને લઈને બંને યુવકોની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત બે પિતરાઈ ભાઈઓને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે.
Amreli Double Murder: મધરાતે ધડાકા જેવો અવાજ આવતાં પરિવારજનો દોડી ગયા
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા તાલુકાના ફળિયા ગામના રહેવાસી રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર 16 વર્ષ) અને નીતિન રામસિંગ પચાયા (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. બંનેના પરિવારજનો ગુંદરણ ગામ (Gundaran Village Murder Case)ની એક વાડીમાં ભાગીયા તરીકે ખેતીકામ કરતા હતા અને ત્યાં રહેતા હતા. તેમને આ વાડીમાં કામ શરૂ કર્યાને આશરે ચાર મહિના થયા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, 2 નવેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યા સુધી બધા જાગતા હતા. ત્યારબાદ રવિ અને તેની બહેનનો દિયર નીતિન તુફાન ગાડીમાં સૂવા ગયા હતા. મધરાત બાદ આશરે સાડા બાર વાગ્યે ધડાકા જેવો અવાજ સંભળાતાં પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. ત્યારે ગાડી આગની લપેટમાં હતી. આ ઘટનામાં બંને યુવકોનાં મોત નીપજ્યાં હતાં.
₹60 હજારની લેતીદેતી અને ગાડીના કબજાનો વિવાદ
DYSP વિસ્મય માનસેતાના જણાવ્યા અનુસાર, મૃતક રવિના પિતા કમલેશ બધેલ અને આરોપીઓ વચ્ચે તુફાન ગાડીના કબજા તથા નાણાકીય વ્યવહારને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મુખ્ય આરોપી વિનોદ વરસીંગભાઈ ડોડીયારે (Vinod Dodiyar) રીતેશસિંહ નામના વ્યક્તિ પાસેથી હપ્તેથી તુફાન ગાડી લીધી હતી. જોકે, સમયસર હપ્તા ન ભરાતાં રીતેશસિંહે પોતાના મિત્ર કમલેશ બધેલને ગાડીનો કબજો લેવા જણાવ્યું હતું. ગાડીના કુલ વ્યવહારમાંથી ₹60 હજાર ચૂકવવાના બાકી હતા. આશરે 10 દિવસ પહેલાં કમલેશ બધેલે ગાડીનો કબજો મેળવી લીધો હતો.
મુખ્ય આરોપી સહિત બે પિતરાઈ ભાઈઓની પૂછપરછ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગાડીનો કબજો ગુમાવ્યાના મનદુઃખમાં વિનોદ ડોડીયાર અને તેના પિતરાઈ ભાઈ રાજુ ગોરધનભાઈ ડોડીયારે કથિત રીતે એકબીજાની મદદથી મોડી રાત્રે ગાડીમાં બહારથી આગ લગાવી (Tuafan Vehicle Fire) હતી. આ આગમાં ગાડીની અંદર સૂઈ રહેલા રવિ અને નીતિનનાં મોત થયાં હતાં.
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિનોદ સહિત બંને પિતરાઈ ભાઈઓને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમરેલીમાં ખેતરમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં આગ, 16 વર્ષના સગીર સહિત 2 મજૂરોના અડધા સળગેલા મૃતદેહ મળ્યા
આ પણ વાંચો: હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો
આ પણ વાંચો: વલસાડમાં મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડર, આરોપીની ધરપકડ
