ગુજરાત ખેડૂતોના હિતાર્થે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂપિયા 45 કરોડની જોગવાઈ સાથે વધુ એક યોજના અમલમાં મૂકાઈ છે.આ યોજના અંતર્ગત ખેડૂતોને રાજ્યના ફળપાકોની ઉત્પાદકતા વધારવા આર્થિક સહાય અપાશે.ઘનિષ્ટ પધ્ધતિથી આંબા પાકના વાવેતર માટે પ્રતિ કલમ રુપિયા 100ની સહાય અને ટીસ્યુકલ્ચર રોપાથી કેળ પાકના વાવેતર માટે પ્રતિ રોપા રુપિયા 5ની સહાય તેમજ ઘનિષ્ટ પધ્ધતિથી જામફળ પાકના વાવેતર માટે પ્રતિ કલમ રુપિયા 80ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મહત્વપૂર્ણ છે કે, બાગાયતી પાકના કુલ 19500 હેક્ટર જેટલો વિસ્તાર વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે.તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજનાના અમલીકરણ બદલ ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. રાજ્યના ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી આંબા અને જામફળ સહિતના ફળપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી કરી શકે છે. રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ. 4500 લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
રાઘવજી પટેલે જણાવ્યું કે, જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ 80 રૂપિયા અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ 44 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ 6 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15,000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19,000 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ પાંચ રૂપિયા સહાય ધ્યાને લઇ મહત્તમ 15 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19500 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત
આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી
