Anand Tarapur Highway Accident: આણંદ હાઈવે પર પાર્ક કરેલા વાહનો અને ઓથોરિટીની બેદરકારી કેવી રીતે નિર્દોષ લોકોનો ભોગ લે છે, તેનો વધુ એક હચમચાવી દેતો કિસ્સો આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે આજે વહેલી સવારે એક કેરી ભરેલો ટેમ્પો રસ્તાની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત કુલ 4 લોકોએ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે, જ્યારે અન્ય 5 લોકો જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
Anand : કેરી ભરેલો ટેમ્પો કાળનો કોળિયો બન્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે એક ટેમ્પો કેરીનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ફતેપુરા ગામ નજીક ડ્રાઈવરને અંદાજ ન આવતા ટેમ્પો માર્ગની સાઈડમાં પાર્ક કરેલી એક તોતિંગ ટ્રક પાછળ જોરદાર રીતે અથડાયો હતો. આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક પરિવારો હતા, જેઓ મજૂરી અર્થે જઈ રહ્યા હતા.
બાળક અને મહિલાઓના કરુણ મોત
ટ્રક અને ટેમ્પો વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પોના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર બે મહિલાઓ, એક નિર્દોષ બાળક અને અન્ય એક વ્યક્તિ એમ કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એકસાથે ચાર-ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ભારે ગમગીની છવાઈ ગઈ છે.
સ્થાનિકોએ કેબિન તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા
વહેલી સવારે અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોની પતરાની કેબિનમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 5 જેટલા શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી
આ રક્તરંજિત અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હાઈવે ઓથોરિટી પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે, તેમ છતાં તંત્ર દ્વારા અહીં કોઈ જ પ્રકારના ‘એક્સિડન્ટ ઝોન’ (Accident Zone) ના કે ચેતવણી આપતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. હાલમાં પોલીસે ટ્રક અને ટેમ્પો ચાલકની બેદરકારીનો ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
