lucknow News/ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નિવેદન: ‘ભણતા-ભણતા ગર્ભવતી ન બનો, આત્મનિર્ભર બન્યા બાદ જ લગ્ન કરો’

લખનઉમાં AKTUના દીક્ષાંત સમારોહ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બન્યા બાદ લગ્ન કરવા, જવાબદારીપૂર્વક જીવનના નિર્ણયો લેવા અને ટેક્નોલોજીના સર્જક બનવાની સલાહ આપી.

Top Stories India Breaking News
Anandiben Patelએ શિક્ષણ, ટેક્નોલોજી અને જવાબદારી પર આપી મહત્વની શીખ

Lucknow News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) લખનઉમાં યોજાયેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી (AKTU)ના 24મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા જીવન, શિક્ષણ અને જવાબદારી અંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમના ભાષણ દરમિયાન તેમણે અભ્યાસ દરમિયાન ગર્ભધારણ, લગ્ન, આત્મનિર્ભરતા, ટેક્નોલોજી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

‘જવાબદારી સમજીને નિર્ણય લો’

આનંદીબેન પટેલે (Anandiben Patel) કહ્યું કે કેટલીક વખત અભ્યાસ દરમિયાન યુવક-યુવતીઓ એવા નિર્ણયો લે છે જેના કારણે તેઓ માતા-પિતા બની જાય છે. ત્યારબાદ બાળકની જવાબદારી પરિવાર સ્વીકારતો નથી અને અંતે તેની જવાબદારી સરકાર પર આવી પડે છે.તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે જીવનના મહત્વના નિર્ણયો જવાબદારીપૂર્વક લેવા જોઈએ.

‘લવ મેરેજનો વિરોધ નથી’

રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે તેઓ લવ મેરેજના વિરોધમાં નથી. તેમણે કહ્યું કે જો બે વ્યક્તિ એકબીજાને પસંદ કરતા હોય તો લગ્ન કરી શકે છે, પરંતુ તે પહેલાં આર્થિક રીતે આત્મનિર્ભર બનવું જરૂરી છે.તેમણે પોતાના પરિવારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પોતાના પુત્રને પણ તેમણે પહેલા અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવા કહ્યું હતું.

દીક્ષાંત સમારોહમાં હજારો વિદ્યાર્થીઓને ડિગ્રી

લખનઉમાં યોજાયેલા AKTUના 24મા દીક્ષાંત સમારોહમાં કુલ 62,537 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 53 સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

શિક્ષણ અને ટેક્નોલોજી પર ભાર

આનંદીબેન પટેલે (Anandiben Patel)  વિદ્યાર્થીઓને માત્ર ટેક્નોલોજીના ઉપયોગકર્તા નહીં પરંતુ તેના સર્જક બનવાની અપીલ કરી હતી. તેમણે ભારતીય હસ્તપ્રતોના ડિજિટલ સંરક્ષણ અને સ્વદેશી ટેક્નોલોજીના વિકાસ પર પણ ભાર મૂક્યો.

સરકારી સંસ્થાઓની કામગીરી પર ટિપ્પણી

ભાષણ દરમિયાન તેમણે સરકારી યુનિવર્સિટીઓ, હોસ્ટેલ, લાઇબ્રેરી, આંગણવાડી અને અન્ય સરકારી ઇમારતોની ડિઝાઇન તથા સુવિધાઓ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે જાહેર નાણાંનો ઉપયોગ આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત વિકાસ માટે થવો જોઈએ.

Anandiben Patelની શિક્ષકોને અપીલ

આનંદીબેન પટેલે (Anandiben Patel)  સરકારી શિક્ષકોને વધુ મહેનત કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓ વધુ મેડલ મેળવી રહ્યા છે, જ્યારે સરકારી સંસ્થાઓએ પણ પોતાની કામગીરીમાં સુધારો લાવવો જોઈએ.


આ પણ વાંચો:યુપીની તમામ કોલેજો અને યુનિવર્સિટીમાં ડ્રેસ કોડ ફરજિયાત, આનંદીબેન પટેલનો આદેશ

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું…

આ પણ વાંચો:પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રીની બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી