Gandhinagar News/ મહેસાણામાં ANTFનો દરોડો, પોપી સ્ટ્રો સાથે 3 ઝડપાયા

ANTF ગાંધીનગર ઝોન (CID Crime)ની ટીમ મહેસાણા વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ અને પેટ્રોલિંગમાં હતી

Gujarat Gandhinagar
ગુજરાત ATS અને ANTF દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Gandhinagar News : ગુજરાત ATS અને ANTF દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે ગાંધીનગર ઝોનની ANTF ટીમે મહેસાણા જિલ્લાના ઉંઝાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર પોપી સ્ટ્રો (Poppy Straw)ના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ANTF ગાંધીનગર ઝોન (CID Crime)ની ટીમ મહેસાણા વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ઝાંથી મુણપુર જતાં હાઈવે પર આવેલી ‘રામદેવ ધાબા’ ખાતે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે માદક પદાર્થપોપી સ્ટ્રોનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં રામદેવ ધાબા ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 3.954 કિલોગ્રામ પોપી સ્ટ્રો મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 59,310 હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • હેમંતકુમાર તિલારામ રાવત
  • વિજયરાજ માનારામ રાવત
  • માનારામ જેસરામ રાવત

ત્રણેય હાલ મુણપુર ખાતે રામદેવ ધાબા પાસે રહે છે અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પોલીસ તપાસમાં આરોપી વિજયરાજ માનારામ રાવત સામે અગાઉ પણ NDPS Act અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

કબજે કરાયેલ મુદ્દામાલ

  • પોપી સ્ટ્રો (Poppy Straw)
  • કુલ વજન: 3.954 કિલોગ્રામ
  • અંદાજિત કિંમત: રૂ. 59,310
  • મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો

પોલીસ હવે આરોપીઓ પાસેથી પોપી સ્ટ્રો ક્યાંથી લાવવામાં આવતું હતું અને તેની સપ્લાય ચેઇન કોના સુધી જોડાયેલી છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.