Lifestyle News: ચહેરાની સુંદરતાને જાળવી રાખવા માટે મહિલાઓ જુદી-જુદી જાતના સૌંદર્યવર્ધક પ્રસાધનો વાપરે છે. અલબત્ત, કેટલાક પ્રાકૃતિક નુસખાઓ દ્વારા પણ ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવી શકાય છે. તમે તમારા ચહેરા પર દહીં અને હળદરથી બનેલા ફેસ પૅકનો ઉપયોગ પણ કરી શકો છો.
પ્રત્યેક મહિલા એવું ઇચ્છતી જ હોય છે કે, એના ચહેરાની કુમાશ અને ચમક જળવાઇ રહે, પરંતુ ઘણીવાર યોગ્ય સંભાળના અભાવે તથા ખાણી-પાણીની અયોગ્ય ટેવોના કારણે ચહેરાની ત્વચા શુષ્ક, નિર્જીવ અને નિસ્તેજ દેખાવા લાગે છે. આ સમયે, તમે કેટલાક સરળ ઉપાયો દ્વારા તમારી ત્વચાને હંમેશાં માટે મુલાયમ, ચમકદાર અને સ્વસ્થ બનાવી શકો છો.
ચહેરાને ચમકદાર અને હૅલ્ધી બનાવવા માટે ઘણા લોકો નાનીમા અને દાદીમાના જૂના ઘરગથ્થું ઉપાયોને અજમાવે છે એવામાં તમે પણ, સ્કિનને ઝગારા મારતી બનાવવા માટે, દહીં અને હળદરના ફેસ પૅકનો ઉપયોગ કરી શકો છો. એને લગાડવાથી ત્વચાને પોષણ મળે છે. વળી, એમાં રહેલા એન્ટિ-ઑક્સિડન્ટ્સ પિમ્પલ તથા ઍક્ને જેવી સમસ્યાને ઓછી કરવામાં પણ મદદ કરે છે.
ચહેરા પર દહીં અને હળદરનો પૅક લગાડવાથી ત્વચામાં કુદરતી નિખાર આવી જાય છે. એમાં રહેલા એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને લૅક્ટિક એસિડ મળીને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.
હળદરમાં કેટલાય પ્રકારના એન્ટિ-બેક્ટેરિયલ ગુણો હોય છે જ્યારે દહીં, ત્વચાના છિદ્રોમાં ચોંટેલા હાનિકારક બેક્ટેરિયાને બેલેન્સ કરે છે. એ બંને મળીને ચહેરા પર ખીલ થવાનું પ્રમાણ ઓછું કરે છે.
ચહેરાની ટેનિંગને હટાવવા માટે દહીં ઘણું ફાયદાકારક સાબિત થાય છે, ઉપરાંત હળદર ત્વચાને કુદરતી રીતે ઉજળી બનાવે છે. એને લગાડવાથી ત્વચા મુલાયમ અને લીસી બની જાય છે તથા મૃત ત્વચા પણ સરળતાથી દૂર થઇ જાય છે.
ચહેરા પર શી રીતે લગાવશો દહીં અને હળદરનો ફેસ પૅક?
દહીં અને હળદરનો ફેસ પૅક બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી તાજુ દહીં લો. એમાં અડધી ચમચી હળદર મિક્સ કરો અને ત્યારબાદ પોતાના ચહેરાને સારી રીતે સ્વચ્છ કરીને, આ મિશ્રણને હળવા હાથેથી ચહેરા પર લગાવો. એને લગભગ 20 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યારબાદ, ઠંડા પાણી વડે ધોઇ નાખો. એના પછી ચહેરા પર, તમને ગમે તે મૉઇશ્ચરાઈઝર લગાવી દો. આ પૅકને તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
