Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી, અસહ્ય લૂ અને બફારાથી તોબા પોકારી ગયેલી જનતા માટે આખરે કુદરતે રાહતના મોટા સમાચાર મોકલ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે (૩૦મી મે) વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ ખાબકતાં સમગ્ર પંથકનું તાપમાન ગગડ્યું છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

Weather : શામળાજી યાત્રાધામ સહિતના વિસ્તારો ભીંજાયા
અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ અષાઢી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગની આગાહી એકદમ સાચી ઠરી હોય તેમ મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા, સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં પારો 42 થી 45 ડિગ્રીની આસપાસ રહેતો હતો, જેથી આ કમોસમી વરસાદે વાતાવરણ એકદમ ઠંડુંગાર કરી દીધું છે.

Weather: મહીસાગરના ગ્રામીણ પંથકમાં ધીમી ધારે વરસાદી માહોલ
બીજી તરફ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી આકાશ આખું કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લા મથક લુણાવાડા શહેર ઉપરાંત તેના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા સિવાય ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાના શરૂ થયા છે. કાળઝાળ ગરમીનું પ્રમાણ ઘટી જતાં સ્થાનિકો માટે વાતાવરણ અતિશય આહલાદક બની ગયું છે.

Weather: સાબરકાંઠાના હિંમતનગર અને વડાલીમાં પણ મેઘાવી માહોલ
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હવામાનમાં પણ અચાનક મોટો બદલાવ જોવા મળ્યો છે. અસહ્ય બફારાથી ત્રસ્ત હિંમતનગર અને વડાલી સહિતના આસપાસના વિસ્તારોમાં મેઘાવી માહોલ સર્જાયા બાદ વરસાદના હળવા છાંટા પડવાનું શરૂ થયું હતું. હિંમતનગર શહેરમાં ભારે ઉકળાટ બાદ પડેલા આ વરસાદી છાંટાના કારણે જમીનમાંથી ઠંડક નીકળવા લાગી છે. જિલ્લાના અનેક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ બનેલું છે, જેને પગલે સ્થાનિક રહીશોને કાળઝાળ હીટવેવમાંથી બહુ મોટી રાહત મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિનાના અંતે પ્રિ-મોનસૂન વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે મેઘરાજા
આ પણ વાંચો: અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાના આપ્યા સંકેત, જાણો કઈ તારીખથી મેઘરાજા કરશે એન્ટ્રી
આ પણ વાંચો: ગીરની ધરા પર મેઘમહેર! પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામમાં મેઘરાજાએ કરી પધરામણી
