Ambalal Patel Forecast:ગુજરાતમાં હાલ આકાશમાંથી આગ ઝરી રહી છે અને અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ગરમીમાં શેકાતા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે રાજ્યમાં ગરમીનું જોર ધીમે-ધીમે ઘટશે અને ટૂંક સમયમાં જ વરસાદી માહોલ જામશે.
16 મે બાદ તાપમાનમાં ઘટાડાની શક્યતા: Ambalal Patel
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અત્યારે હીટવેવની જે સ્થિતિ છે તેમાં 16 મે પછી મોટો ફેરફાર જોવા મળશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે લોકોને અસહ્ય ગરમી અને લૂ (Heatwave) માંથી આંશિક રાહત મળશે.
પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની તારીખ
ચોમાસા પહેલાના વરસાદ એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે મહત્વની વિગતો આપી છે. તેમની આગાહી મુજબ, 18 થી 23 મે ના સમયગાળા દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 8 થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે વરસાદને ખેંચી લાવશે. અંતે 23 થી 28 જૂન સુધીમાં રાજ્યમાં વાવણી લાયક અને સાર્વત્રિક સારો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.
હાલ ગરમીનો કેવો છે પ્રકોપ?
હાલમાં ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં હીટવેવનું એલર્ટ છે. તાજેતરમાં ભાવનગર 45.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 44 ડિગ્રીની નજીક નોંધાયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય શહેરોમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
