Sports News : એશિયન ગેમ્સ 2026 (Asian Games)માં ભારતના શૂટર્સે શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરુચી સિંહ (Suruchi Singh) અને કમલજીત (Kamaljeet)ની ભારતીય જોડીએ શુક્રવારે ફાઇનલમાં 484.6 પોઈન્ટનો સ્કોર કરી ગોલ્ડ મેડલ (Shooting Gold)પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતને આ એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મળ્યો છે અને શૂટિંગમાં ભારતનું આ પહેલું સુવર્ણ છે.
સુરુચી સિંહ અને કમલજીતનો ગોલ્ડ પર કબજો
આઈચી જનરલ શૂટિંગ રેન્જ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતીય જોડીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ફાઇનલમાં ભારતે 484.6 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે દક્ષિણ કોરિયાની જોડી 478.0 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી. ઈરાને 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે દક્ષિણ કોરિયા સામે 6.6 પોઈન્ટની સરસાઈથી જીત મેળવી.
ક્વોલિફિકેશનમાં પણ ભારતનો દબદબો
સુરુચી અને કમલજીતે ફાઇનલ પહેલાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ 587-29xનો સ્કોર નોંધાવી ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન બાદ બંનેએ મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં પણ શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.
ફાઇનલની શરૂઆતમાં ભારતીય જોડીએ 103.0 પોઈન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ 202.4 અને 303.5 સુધી પહોંચીને તેઓ સતત લીડમાં રહ્યા હતા. આગળના તબક્કામાં પણ ભારતે લીડ જાળવી રાખી અને અંતે 484.6ના સ્કોર સાથે ગોલ્ડ નિશ્ચિત કર્યો.
વ્યક્તિગત ઇવેન્ટમાં નિરાશા બાદ શાનદાર વાપસી
ખાસ વાત એ છે કે સુરુચી અને કમલજીત (Kamaljeet)બંને માટે વ્યક્તિગત ઇવેન્ટનો અનુભવ અપેક્ષા મુજબ રહ્યો નહોતો. કમલજીત વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં નવમા સ્થાને રહ્યો હતો, જ્યારે સુરુચી 26મા સ્થાને રહી હતી. બંને વ્યક્તિગત ફાઇનલમાં સ્થાન મેળવી શક્યા નહોતા. જોકે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બંનેએ શાનદાર વાપસી કરી અને ભારતને ગોલ્ડ અપાવ્યો.
આ ગોલ્ડ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026માં શૂટિંગના મેડલ અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સુરુચી અને કમલજીતની આ જીત ભારતીય શૂટિંગ ટીમ માટે પણ ખાસ બની છે, કારણ કે આ સ્પર્ધામાં ભારતનું પ્રથમ શૂટિંગ ગોલ્ડ છે.
અન્ય મેડલમાં પણ ભારતની સફળતા
આ જ દિવસે ભારતને પુરુષોની 50 મીટર રાઇફલ (10m Air Pistol) 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ મળ્યો હતો. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાંક્ષ પાટીલની ટીમે 1762 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ચીન 1766 પોઈન્ટ સાથે ગોલ્ડ અને દક્ષિણ કોરિયા બ્રોન્ઝ જીત્યું હતું.
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અગાઉની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ભારતના સફળ શૂટર્સમાં સામેલ રહ્યા હતા અને ટીમ ઇવેન્ટ્સમાં ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા.
