Banaskantha News/ અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટ અને પોલીસ પર હુમલો, PI સહિત અનેક ઈજાગ્રસ્ત

આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને તીર વાગ્યાની પણ માહિતી મળી છે

Top Stories Gujarat Others
સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો

Banaskantha News : અંબાજી તાલુકાના પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગ અને પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જમીન ખાલી કરાવવા માટે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પાડલીયા ગામે પહોંચ્યા હતા. તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હુમલાની જાણ થતાં વધુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ સ્થાનિકોએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને તીર વાગ્યાની પણ માહિતી મળી છે.

 

હુમલામાં અંબાજી પીઆઇ આર.બી. ગોહિલ સહિત મોટી સંખ્યામાં પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલ કર્મચારીઓને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પીઆઇ આર.બી. ગોહિલને વધુ સારવાર માટે પાલનપુરની માવજત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, બે અન્ય ઘાયલ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓની મુલાકાત લીધી હતી તેમજ સમગ્ર ઘટનાની માહિતી સ્થાનિક તંત્ર પાસેથી મેળવી હતી. કલેક્ટરે ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગઈકાલે વાવ-થરાદના દિયોદર નજીક આવેલા મોજરૂ ગામે રેડ દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. હવે અંબાજી નજીક પડલીયા ગામે ફરી એકવાર પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.

દરમિયાન આ બનાવને પગલે બનાસકાંઠા કલેકટર મિહીર પટેલનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરે આ હુમલો પૂર્વનિયોજિત હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે પથ્થર મારો અને તિર કામઠા વડે કરવામાં આવ્યો હતો.

હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે. હુમલો કરનાર ને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા આપવામાં આવશે, એમ કલેકેટરે વધુમાં ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાર્ક ફિલ્મ હટાવવાની પોલીસ ડ્રાઇવના પ્રથમ દિવસે યુવકે કર્યો પોલીસ પર હુમલો

આ પણ વાંચો: આણંદમાં આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો: 2 કિલો સોનાની ચોરીની તપાસ દરમિયાન હુમલો