Sports News : T20 ક્રિકેટમાં સદી ફટકારવી પણ મોટી સિદ્ધિ ગણાય છે, ત્યારે બેવડી સદી સાંભળતા જ આશ્ચર્ય થાય. પરંતુ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એક સ્થાનિક T20 મેચમાં આ અદભુત દ્રશ્ય સાકાર થયું, જ્યાં નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 81 બોલમાં 229 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપ 2026 પહેલા એડવર્ડ્સે ચોગ્ગા-છગ્ગાની વરસાદ સાથે પોતાનું ઉગ્ર ફોર્મ દુનિયા સામે રજૂ કર્યું છે.
સ્થાનિક લીગમાં કર્યો કમાલ
ક્લેન્ઝો ગ્રુપ શીલ્ડ ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં અલ્ટોના સ્પોર્ટ્સ T20 ફર્સ્ટ XI તરફથી રમતા એડવર્ડ્સે આ અનોખી સિદ્ધિ મેળવી. તેમની આ ઇનિંગે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
81 બોલમાં 229 રન, બોલરો હેરાન
વિલિયમ્સ લેન્ડિંગ એસસી સામે ઇનિંગની શરૂઆત કરતા સ્કોટ એડવર્ડ્સ અંત સુધી અણનમ રહ્યા.તેમણે પોતાની ઇનિંગ દરમિયાન 23 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 282ના સ્ટ્રાઈક રેટથી રન વરસાવ્યા હતા. એડવર્ડ્સની આ ઇનિંગના આધારે અલ્ટોના સ્પોર્ટ્સે 304 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો, જેના જવાબમાં વિરોધી ટીમ માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારતના ગ્રુપમાં છે નેધરલેન્ડ્સ
નેધરલેન્ડ્સની ટીમ આગામી વર્ષે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે. નેધરલેન્ડ્સ ભારતના ગ્રુપમાં સામેલ છે અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત સામે ટક્કર લેવાની છે. એડવર્ડ્સની આ ઇનિંગથી ટીમને મોટો આત્મવિશ્વાસ મળ્યો છે.
T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી
29 વર્ષીય સ્કોટ એડવર્ડ્સે નેધરલેન્ડ્સ માટે 82 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 1226 રન બનાવ્યા છે. તાજી બેવડી સદીથી તેણે T20 વર્લ્ડ કપ પહેલા વિરોધી ટીમોને ચેતવણી આપી દીધી છે.
આ પણ વાંચો:યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો
આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણનાં મેકઅપ આર્ટિસ્ટનું પાણીમાં ડૂબવાથી થયું મોત
