આદિવાસી મહાસંમેલનનું આકર્ષણ/ દાહોદમાં બાનાવાયો એશિયાનો સૌથી મોટો ડૉમ

દાહોદમાં યોજાનારા સંમેલનમાં આ ડોમમાં ૨ લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

Top Stories Gujarat
દાહોદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૦ એપ્રિલના રોજ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાનારા આદિવાસી મહાસંમેલનમાં સહભાગી થશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની પૂર્વપટ્ટીના જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુરના આદિજાતિ બાંધવો મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે કાર્યક્રમના સમગ્ર આયોજનની બે વિશેષતાઓ ઉડીને આંખે વળગે એવી છે. આ મહાસંમેલનમાં સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં ૨ લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ ડોમની એક નહિ અનેક વિશેષતા છે. ડોમ સંબંધિત આંકડાઓ ડોમની વિશાળતાનો ખ્યાલ આપે છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ છે. ૧૪ લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં ૭ ડૉમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડૉમ છે. લંબાઈમાં ૬૦૦ મીટર સુધી પથરાયેલા અને ૧૩૨ ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે, આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો સતત છંટકાવ કરી વાતાવરણમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામં આવી છે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા દ્વારા તમામ ગતિવીધિઓની ઉપર બાઝ નજર રાખવામાં આવશે.

ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. ફ્લોરિંગથી શરૂ કરી ડૉમ  બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા મટીરીયલ ઉપર વિશેષ પ્રકારનો સ્પ્રે છાંટી તેને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ બાદ સ્વચ્છતા જાળવી રાખવા ૩૦૦ જેટલી ટીમો ચાંપતી કામગીત્રી કરી સંપૂર્ણ તકેદારી રાખી પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

આદિજાતિ મહાસંમેલનનાં આયોજન અંગે અન્ય એક નોંધપાત્ર બાબત એ છે કે, આ સંમેલનમાં સહભાગી થવા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાના ગામોમાં સમગ્ર તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૬૦થી પણ વધુ ગામોમાં સંમેલનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જનશક્તિનો સાક્ષાત્કાર કરાવતા આ કાર્યક્રમમાં દેશના લોક લાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા આદિવાસી બાંધવોમાં અપ્રતિમ ઉત્સાહ છે. ફોન કોલ્સ- મેસેજ અને લઘુ ફિલ્મ દ્વારા જનસંપર્ક કરવા ઉપરાંત સેવાસેતુ સહિતના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા આયોજનોમાં સહભાગી થવા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યા છે.

આ આદિવાસી મહાસંમેલનમાં વિકાસ કાર્યોની રીતસરની હેલી વરસવાની છે. જે પૈકી રૂ. ૨૦ હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ થશે. આ ઉપરાંત રૂ. ૧,૪૧૯ કરોડના સંપન્ન થયેલા વિકાસ કાર્યો આદિવાસી જનતાને પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પિત થનાર છે. આની સાથોસાથ રૂ. ૫૫૦ કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનુ ખાત મુહૂર્ત થશે.

આ પણ વાંચો : ડિંગલેશ્વર સ્વામીનો કર્ણાટક સરકાર પર ગંભીર આરોપ,મઠમાંથી 30 ટકા કમિશન લે છે

મંતવ્ય