ભારતીય મહિલા ટીમે ફરી એકવાર નિરાશ કર્યા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટી20 મેચમાં ભારતને 7 રને હરાવી શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 3 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમ 181 રન જ બનાવી શકી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલિંગમાં કેપ્ટનની ખોટી ગણતરી હતી. આ પ્રયોગમાં હરમનપ્રીત તેના અગ્રણી બોલરોને આખી ઓવર પૂરી કરવા માટે મળી ન હતી. આ કારણે ઓસ્ટ્રેલિયાએ 10-15 રન વધુ બનાવ્યા અને તે મેચનો તફાવત સાબિત થયો. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરીએ અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે એશ્લે ગાર્ડનરે 42 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માને બે અને રાધા યાદવને એક વિકેટ મળી હતી.
રનચેઝ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના ઝડપી રન બનાવવાની પ્રક્રિયામાં 16 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ પછી ત્રીજી મેચમાં અડધી સદી ફટકારનારી શેફાલી કંઈ ખાસ કરી શકી ન હતી અને 20 રનના અંગત સ્કોર પર બ્રાઉનનો શિકાર બની હતી. જેમિમા રોડ્રિગ્સે ફરી એકવાર નિરાશ કર્યા. તે માત્ર 8 રન બનાવી શકી હતી. આ પછી દેવિકા વૈદ્ય અને કેપ્ટન હરમનપ્રીતે ચાર્જ સંભાળ્યો. બંનેએ 45 બોલમાં 72 રનની ભાગીદારી નોંધાવી હતી.
હરમનપ્રીતના આઉટ થયા બાદ રિચા ઘોષે આવતાની સાથે જ ઝડપથી બેટિંગ કરી હતી. પહેલા દેવિકા વૈદ્ય સાથે 17 બોલમાં 28 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી છેલ્લે દીપ્તિ શર્મા સાથે 16 બોલમાં 32 રનની ભાગીદારી નોંધાવી, પરંતુ ટીમને જીત અપાવી શકી નહીં. રિચાએ 19 બોલમાં અણનમ 40 જ્યારે દીપ્તિએ 8 બોલમાં 12 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને અલાના કિંગને બે-બે વિકેટ મળી હતી. જ્યારે ડાર્સી બ્રાઉનને એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાંચમી મેચ હવે માત્ર ઔપચારિકતા રહી જશે.
