National News/ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં નિવૃત્ત IAS અધિકારી સંભાળશે કમાન, ટૂંક સમયમાં થશે CEO ની નિમણૂક

અયોધ્યા રામ મંદિરમાં(Ram Mandir) દાન ચોરીના વિવાદ બાદ સરકાર શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં નાણાકીય પારદર્શિતા લાવવા માટે કોઈ નિવૃત્ત વહીવટી અધિકારીને મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) તરીકે નિમવાની તૈયારી કરી રહી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Ayodhya News NATIONAL Top Stories India
Ram Mandir

Ayodhya Ram Mandir Donation Theft Controversy: અયોધ્યા રામ મંદિરના (Ram Mandir) વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા ‘શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં ટૂંક સમયમાં જ મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO)ની એન્ટ્રી થઈ શકે છે. ટ્રસ્ટમાં CEOની નિમણૂક કરવા સંબંધિત કાનૂની પ્રક્રિયાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં રામ મંદિરના ચઢાવામાં ચોરીનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ભારે હોબાળો મચ્યો છે. આ વિવાદને જોતા સરકાર ડાઘ વગરની છબી ધરાવતા કોઈ નિવૃત્ત વહીવટી અધિકારી (IAS)ને ટ્રસ્ટમાં CEO તરીકે નિયુક્ત કરીને મોટી જવાબદારી સોંપવા જઈ રહી છે.

નાણાકીય પારદર્શિતા લાવવા માટે લેવાશે નિર્ણય

દેશના અન્ય પ્રખ્યાત અને મોટા મંદિરોમાં વહીવટી પ્રક્રિયા સુચારુ રૂપે ચલાવવા માટે પહેલાથી જ વહીવટી અધિકારીઓની નિમણૂક થયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું માનવું છે કે રામ મંદિર (Ram Mandir) ટ્રસ્ટમાં પણ કોઈ વરિષ્ઠ વહીવટી અધિકારીની નિમણૂક થવી અત્યંત જરૂરી છે. આ નિર્ણયથી રામ મંદિરને દેશ-વિદેશમાંથી મળતા કરોડો રૂપિયાના દાન, ચઢાવા અને અન્ય નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી શકાશે અને ભવિષ્યમાં ચોરી જેવી ઘટનાઓ અટકાવી શકાશે.

Ram Mandir
ayodhya-ram-mandir-trust-appoint-ias-officer

વર્ષ 2020માં કરાઈ હતી Ram Mandir ટ્રસ્ટની રચના

અયોધ્યા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના (Ram Mandir)નિર્માણ માટે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે 5 ફેબ્રુઆરી 2020ના રોજ ‘શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની રચના કરી હતી, જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે લોકસભામાં કરી હતી. તે સમયે મહંત નૃત્યગોપાલદાસને ટ્રસ્ટના અધ્યક્ષ અને VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયને મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અગ્રણી સાધુ-સંતો અને સ્થાનિક નાગરિકોને આ ટ્રસ્ટમાં સભ્ય તરીકે જોડવામાં આવ્યા હતા.

ટ્રસ્ટમાં હાલ 1 પદ ખાલી, નવું પદ ઊભું કરવા કવાયત

મૂળ વહીવટી માળખા મુજબ આ 15 સદસ્યીય ટ્રસ્ટમાં 12 સભ્યો મનોનીત છે, જ્યારે 3 સભ્યો હોદ્દાની રૂએ (કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રતિનિધિ અને અયોધ્યા DM) સામેલ છે. વર્ષ 2025 માં ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય કામેશ્વર ચૌપાલના નિધન બાદ પૂર્વ IFS કૃષ્ણ મોહનને ટ્રસ્ટી બનાવાયા હતા. જોકે, ઓગસ્ટ 2025 માં અયોધ્યા રાજપરિવારના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના અવસાન બાદ એક પદ હજુ પણ ખાલી છે. હાલ ટ્રસ્ટમાં 14 સભ્યો જ કાર્યરત છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ખાલી પદ પર જ કોઈ વહીવટી અધિકારીને CEO બનાવે છે કે પછી નવું પદ ઊભું કરશે. નવું પદ બનશે તો ટ્રસ્ટના કુલ સભ્યોની સંખ્યા 16 થઈ જશે.


આ પણ વાંચો:સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ

આ પણ વાંચો:અયોધ્યામાં ધાર્મિક વિધિ કરતા 101 વૈદિક આચાર્યો, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ

આ પણ વાંચો:અયોધ્યામાં 3 જૂનથી બીજી પ્રાણ પ્રતિષ્ઠા;જાણો રામ મંદિરમાં કોના સ્વાગત માટે થઈ રહી છે તૈયારીઓ ?