World News/ અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે (Ilhan Omar) IAMC ના એક કાર્યક્રમમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતા દાવો કર્યો છે કે ભારતમાં લઘુમતીઓનો નરસંહાર થઇ રહ્યો છે. ભારતે આ પાયાવિહોણા આરોપો પર જડબાતોડ જવાબ આપ્યો છે. વાંચો સંપૂર્ણ વિગત.

international Top Stories World
Ilhan Omar

US Rep Ilhan Omar Targets India: અમેરિકામાં મુસ્લિમ સમુદાયના મુદ્દાઓ પર આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે (Ilhan Omar) ફરી એકવાર ભારત વિરુદ્ધ પાયાવિહોણું નિવેદન આપ્યું છે. કોઈપણ સત્તાવાર આંકડા કે પુખ્ત તથ્યો વિના તેમણે ભારત પર લઘુમતીઓના નરસંહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઇલ્હાન ઉમરે દાવો કર્યો છે કે ભારત નરસંહારના ‘આઠમા તબક્કા’માં પહોંચી ગયું છે અને ત્યાં આ બધું હવે સામાન્ય બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇલ્હાન ઉમર અગાઉ પણ આવા ભારત વિરોધી વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.

ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના કાર્યક્રમમાં આપ્યું નિવેદન

મીડિયા અહેવાલો અનુસાર, ગત 7 જૂનના રોજ ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ (IAMC) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો હવે સામે આવ્યા છે. આ કાર્યક્રમમાં અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ઇલ્હાન ઉમરે પીએમ મોદીનું નામ લેતા જણાવ્યું કે, “ભારતમાંથી આવી રહેલા અહેવાલો મુજબ તે નરસંહારના આઠમા તબક્કામાં છે.” તેમણે ઉમેર્યું કે, આપણા માટે આ અંગે એલર્ટ રહેવું જરૂરી છે કારણ કે આ માત્ર મોદી પ્રશાસન પૂરતું સીમિત નથી, પરંતુ હવે તે વ્યવસ્થિત રીતે ત્યાંના સમાજનો એક ભાગ બની રહ્યું છે.

Ilhan Omar

શું છે નરસંહારના ‘આઠમા તબક્કા’નો અર્થ?

પોતાના ભાષણમાં ઇલ્હાન ઉમરે ‘જીનોસાઇડ વોચ’ નામની સંસ્થાના સ્થાપક ગ્રેગરી એચ. સ્ટેન્ટનની એક થિયરીનો ઉલ્લેખ કર્યો હતો. આ થિયરી મુજબ નરસંહારના કુલ 10 તબક્કા હોય છે, જેમાં આઠમો તબક્કો ‘ઉત્પીડન’ (પરેશાન કરવા)નો માનવામાં આવે છે. આ તબક્કામાં કોઈ લઘુમતી જૂથને મોટા પાયે નિશાન બનાવી તેમના અધિકારો છીનવી લેવામાં આવે છે અને તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાના પ્રયાસો થાય છે તેવો દાવો તેમણે કર્યો હતો.

Ilhan Omarને ભારતનો જડબાતોડ જવાબ

મૂળ સોમાલિયાના રહેવાસી અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયેલા ઇલ્હાન ઉમર(Ilhan Omar) અવારનવાર પાકિસ્તાન તરફી વલણ અપનાવવા અને કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો આપવા માટે ચર્ચામાં રહે છે. ભારત સરકાર આવા પાયાવિહોણા આરોપો પર હંમેશા કડક પ્રતિક્રિયા આપતી આવી છે. તાજેતરમાં જ વિદેશ મંત્રાલયના સચિવ સિબી જોર્જે જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું હતું કે, આઝાદી સમયે ભારતમાં લઘુમતીઓની વસ્તી 11% હતી, જે આજે વધીને 20%થી વધુ થઈ ગઈ છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં લઘુમતીઓની વસ્તી આ રીતે વધી હોય.

શું છે આ IAMC સંસ્થા?

જે સંસ્થાના કાર્યક્રમમાં ઇલ્હાન ઉમરે(Ilhan Omar) આ નિવેદન આપ્યું છે, તે IAMC અમેરિકામાં નોંધાયેલી એક બિન-લાભકારી સંસ્થા છે. આ સંગઠન લાંબા સમયથી અમેરિકા પાસે માંગ કરી રહ્યું છે કે ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવામાં આવે. આ સિવાય તે RSS તેમજ ભારતના જાણીતા નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની પેરવી કરતું રહે છે.


આ પણ વાંચો :ઇઝરાયલે લેબેનોન છોડવું જ પડશે, અમેરિકા-ઇરાન કરાર વચ્ચે વિદેશ મંત્રીની ઇઝરાયલને ચેતવણી

આ પણ વાંચો :ઇન્ડોનેશિયામાં 6.7 ની તીવ્રતાનો કિલર ભૂકંપ! પુલ અને સરકારી ઓફિસો પત્તાના મહેલની જેમ ધરાશાયી

આ પણ વાંચો :ઇતિહાસમાં પહેલીવાર! અમેરિકા-ઈરાન યુદ્ધ અટકાવવા બદલ ઈટાલીના PMએ પાકિસ્તાનની પીઠ થાબડી