Uttarpradesh News : ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને (Azam Khan)મની લોન્ડરિંગ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી (Allahabad High Court)મોટી રાહત મળી છે. કોર્ટે તેમની ધરપકડની પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય પાલન ન થયું હોવાનું નોંધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણયથી લાંબા સમયથી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આઝમ ખાનને (Azam Khan)રાહત મળી છે.
ધરપકડની પ્રક્રિયા પર કોર્ટે ઉઠાવ્યા સવાલ
અલ્હાબાદ હાઈકોર્ટે ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયાની તપાસ કરતાં નોંધ્યું કે ભારતીય બંધારણની કલમ 22(1) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ જરૂરી જોગવાઈઓનું કડક પાલન કરવામાં આવ્યું નહોતું. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે આઝમ ખાનને વચગાળાના જામીન (Azam Khan Bail)આપવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટના આદેશ મુજબ, ગાઝિયાબાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ની સંતોષ મુજબ વ્યક્તિગત બોન્ડ અને સમાન રકમના બે જામીન રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તેમની મુક્તિનો માર્ગ મોકળો થશે.
10 ડિસેમ્બરે થશે આગામી સુનાવણી
આઝમ ખાનને મળેલી આ રાહત વચગાળાના જામીનના સ્વરૂપમાં છે. કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. જસ્ટિસ રાજીવ ગુપ્તા અને જસ્ટિસ દેવેન્દ્ર સિંહની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
આઝમ ખાન તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને ઇમરાન ઉલ્લાહે કોર્ટમાં પક્ષ રજૂ કર્યો હતો. ધરપકડને પડકારતી અરજીમાં કાયદાકીય પ્રક્રિયાના પાલનનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.
31 ઓક્ટોબરે EDએ કરી હતી ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 31 ઓક્ટોબરના રોજ રામપુર જિલ્લા જેલમાંથી આઝમ ખાનની (Azam Khan)ધરપકડ કરી હતી. તેઓ ઉત્તર પ્રદેશના 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે PAN કાર્ડ સાથે જોડાયેલા કથિત છેતરપિંડીના કેસમાં જામીન પર મુક્ત થયા બાદ થોડા જ સમયમાં EDએ તેમની ધરપકડ કરી હતી.
આ ધરપકડને પડકારવા માટે આઝમ ખાને કાનૂની લડત શરૂ કરી હતી. 5 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડને પડકારતી રિટ અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટની તપાસ શું છે?
EDની મની લોન્ડરિંગ તપાસ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ (Johar Trust)સાથે જોડાયેલી છે. આ ટ્રસ્ટની સ્થાપના અને સંચાલન આઝમ ખાન સાથે સંકળાયેલું છે. તપાસ એજન્સી દ્વારા સરકારી ભંડોળના કથિત દુરુપયોગ, જમીન ખરીદીમાં અનિયમિતતા અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના નિર્માણ સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
આઝમ ખાન આ યુનિવર્સિટીના માનદ કુલાધિપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે હાઈકોર્ટના વચગાળાના જામીનના નિર્ણય બાદ 10 ડિસેમ્બરની સુનાવણી પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:આઝમ ખાનને EDના 4 દિવસના રિમાન્ડ: લખનૌમાં થશે પૂછપરછ
આ પણ વાંચો: આઝમ ખાનની મુશ્કેલી વધી, કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા
આ પણ વાંચો: બે પાન કાર્ડ કેસમાં આઝમ ખાન અને પુત્ર અબ્દુલ્લાને જામીન, હાઈકોર્ટે સજા પર લગાવી રોક
