Ahmedabad News: અમદાવાદની ઐતિહાસિક વિરાસત, પોળ સંસ્કૃતિ, સ્થાપત્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને દેશ-વિદેશમાં પહોંચાડવાના હેતુથી 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની (World Heritage Week) ઉજવણી (Ahmedabad Bhadra Festival) કરવામાં આવશે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જોકે, આ કાર્યક્રમમાં સ્થાનિક જમાલપુર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલરોને આમંત્રણ ન અપાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Ahmedabad Bhadra Festival: ‘મને અને મારા સાથી કાઉન્સિલરોને આમંત્રણ નથી આપ્યું’
કોંગ્રેસનાં કોર્પોરેટર ડો. નાઝનીન ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે અને જમાલપુર વિસ્તારમાં પણ અનેક ઐતિહાસિક ઇમારતો તથા હેરિટેજ સ્થળો આવેલાં છે. જમાલપુર વોર્ડમાં હેરિટેજ વીકની ઉજવણી થતી હોવા છતાં સ્થાનિક કાઉન્સિલર તરીકે તેમને અને તેમના સાથી કાઉન્સિલરોને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શહેરના દરેક નાગરિકને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે, ત્યારે મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનપ્રતિનિધિઓની અવગણના કરવી દુઃખદ બાબત છે.
20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર બંધ
19 નવેમ્બરથી ભદ્ર ફેસ્ટિવલ શરૂ થવાનો છે. તે પહેલાં જ ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ (Bhadra Precinct Traffic Ban) કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ 20 નવેમ્બર સુધી ભદ્ર પરિસરમાં વાહનોની અવરજવર બંધ રહેશે.
બીજી તરફ, ભદ્ર પરિસરમાં અગાઉ પાથરણાંવાળાઓના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થતો હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, ફેસ્ટિવલના આયોજનને પગલે આજથી જ ભદ્ર પરિસરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ પાથરણાંવાળાઓ પણ ત્રણ દિવસ સુધી પાથરણા બજાર બંધ રાખશે.
આ પણ વાંચો: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્રમાં ફરી કલા-સંસ્કૃતિનો મહોત્સવ, ત્રણ દરવાજે ગુંજશે સિતાર
આ પણ વાંચો: બુલડોઝર એક જગ્યાએ ચાલ્યું, બીજી જગ્યાએ દબાણો યથાવત્: ગાંધીનગર મનપાની નીતિ સામે સવાલ
આ પણ વાંચો: બિયારણ-ખાતર ખરીદતાં પહેલાં આટલું જરૂર તપાસજો, નહીં તો થઈ શકે છે નુકસાન
