Banaskantha Accident News: બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની વણઝાર યથાવત હોય તેમ આજે વધુ એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે પાલનપુર-આબુ હાઇવે પર રોંગ સાઇડમાં આવતા એક આઇસર ટ્રકે ઇનોવા કારનો કચ્ચરઘાણ કાઢી નાખતા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો લોખંડી કાટમાળ જ બચ્યો છે.
ટ્રક ચાલકની બેદરકારીએ છીનવ્યા 6 જીવ
બનાસકાંઠાના ઇકબાલગઢ હાઇવે પર પૂરપાટ ઝડપે અને રોંગ સાઇડમાં આવી રહેલા આઇસર ટ્રકના ચાલકે સામેથી આવતી ઇનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રક સીધો જ કાર પર ફરી વળ્યો હતો. આ ધડાકાભેર અકસ્માતમાં ઇનોવામાં સવાર 6 મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનાસ્થળ પર ચીસિયારીઓ અને ટ્રાફિક જામ
અકસ્માત બાદ હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતને કારણે પાલનપુર-આબુ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને અંદાજે 5 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલની સ્થિતિ
અમીરગઢ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે 6 મૃતદેહોને બહાર કાઢી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 3 લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
