Dwarka News: દ્વારકામાં કલ્યાણપુરના કેનેડીમાં બોકસાઇટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. એલસીબીએ ચોરીનો માલ લક્ષ્મી મિનરલ્સમાં મોકલવાનું કૌભાંડ ઝડપ્યુ છે. 141 ટન બોકસાઇટ ભરેલા ટ્રકની સાથે આરોપી ભીખુ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. 105 ટન સંગ્રહિત અને 36 ટન બોકસાઇટ ભરેલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજ ચોરી પકડવામાં આવતા સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા એસપી જયરાજસિંહવાળાની કડક સૂચનાના પગલે પોલીસ અને ખાણખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તપાસમાં બહાર આવ્યું હતું કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર રીતે બોકસાઇટ ઉલેચવામાં આવી રહ્યુ હતુ અને તે લક્ષ્મી મિનરલ્સમાં ઠાલવવામાં આવી રહ્યું હતું. પોલીસે તેમને મળેલી બાતમી અને તેની પૂરેપૂરી તપાસ પછી આ દરોડો પાડ્યો હતો અને ગુનેગારોને રંગે હાથ પકડ્યા હતા.
પોલીસે ભીખુભાઈ જાડેજાની ધરપકડ કરવાની સાથે લાખો રૂપિયાનો ખનીજનો જથ્થો જપ્ત કર્યો છે. તેના પગલે આ વિસ્તારના ખનીજ માફિયામાં ફફડાટ છે. બીજી બાજુએ પોલીસ અને ખાણખનીજ વિભાગની કાર્યવાહીની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. આવી કાર્યવાહી નિયમિત ધોરણે થતી રહે તેવી પણ લોકોની માંગ છે, જેથી હાલમાં બહુ ફાટેલા ખાણખનીજ માફિયાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવી શકાય.
