Bengal Election: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કેન્દ્રીય સુરક્ષાદળો અને પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ‘ફોર્મ-6’ વિવાદ?
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર ‘ફોર્મ-6’ છે, જેનો ઉપયોગ મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ દાવો કર્યો છે કે એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મોટી સંખ્યામાં ફોર્મ-6 લઈને ચૂંટણી પંચની ઓફિસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટનાને ટાંકીને ટીએમસીએ આક્ષેપ કર્યો છે કે નિયમો વિરુદ્ધ જઈને મતદાર યાદીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે ટીએમસી નેતા અભિષેક બેનરજીએ પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બહારના રાજ્યોના લોકોના નામ મતદાર યાદીમાં ઘુસાડવા માટે ફોર્મ-6નો મોટાપાયે દુરુપયોગ થઈ રહ્યો છે, અને તેથી જ તેમણે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવાની માંગ કરી છે.
સામસામે સૂત્રોચ્ચાર અને મારામારી
ઘટનાની જાણ થતાં જ ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે પોલીસ બેરિકેડ પાસે જોરદાર ધક્કા-મુક્કી થઈ હતી. ભાજપે આક્ષેપ કર્યો છે કે ટીએમસીના લોકોએ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસીને તેમના કાર્યકર્તાઓ સાથે ગેરવર્તણૂક કરી છે, જ્યારે ટીએમસીએ ભાજપ પર મારપીટનો વળતો આક્ષેપ કર્યો છે.
હાલ પોલીસે સ્થિતિને સંભાળી લીધી છે અને જે વ્યક્તિ પાસે મોટા પ્રમાણમાં ફોર્મ હતા તેને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે.
બંગાળ (Bengal)માં ક્યારે છે મતદાન?
પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે રાજકીય જંગ જામ્યો છે. રાજ્યમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલ, 2026 ના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે 4 મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો:બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાનું જાહેર કર્યું, હુમાયુ કબીરને TMCએ સસ્પેન્ડ કર્યો
આ પણ વાંચો:TMC સાંસદ મહુઆ મોઇત્રાએ વિદેશમાં બીજેડી નેતા પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન
આ પણ વાંચો:પહેલા સામ્યવાદીઓ પછી TMCએ બંગાળને હિંસાનો ગઢ બનાવ્યો : અમિત શાહ
