Bengaluru Student Gangrape News: કર્ણાટકની રાજધાની બેંગલોરમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 19 વર્ષની ખાનગી કોલેજની વિદ્યાર્થિની પર તેના જ બે મિત્રોએ ગેંગરેપ કર્યો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. આરોપીઓએ વિદ્યાર્થિનીને નશીલી ગોળીઓ ખવડાવી બેભાન કરી આ ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપ્યો હતો. અમૃતાહલ્લી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રેમ અને મિત્રતાના નામે વિશ્વાસઘાત
મળતી માહિતી મુજબ, પીડિતા બન્નેરઘટ્ટાની એક પ્રાઈવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. તે પશ્ચિમ બંગાળના રહેવાસી ડિક્સીન નામના યુવકના પ્રેમમાં હતી. થોડા દિવસો પહેલા ડિક્સીન અને તેનો મિત્ર નિખિલ વિદ્યાર્થિનીને એક વિલામાં લઈ ગયા હતા. ત્યાં પ્રેમ અને મિત્રતાના ઓઠ હેઠળ આ બંને નરાધમોએ વિદ્યાર્થિની સાથે છેતરપિંડી કરી હતી.

નશીલી ગોળીઓ આપી આચર્યું પાપ
પીડિતાએ પોલીસ ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે, વિલામાં રોકાણ દરમિયાન ડિક્સીન અને નિખિલે તેને પીણામાં નશીલી ગોળીઓ ભેળવીને આપી હતી. વિદ્યાર્થિની બેભાન જેવી અવસ્થામાં આવી જતાં બંને મિત્રોએ તેની પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, નરાધમોએ વિદ્યાર્થિની સાથે મારપીટ પણ કરી હતી.
Bengaluru : પોલીસ એક્શન મોડમાં
ઘટના બાદ પીડિતાએ હિંમત ભેગી કરી અમૃતાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડિક્સીન અને નિખિલ વિરુદ્ધ ગેંગરેપ અને મારપીટનો કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બીજો આરોપી નિખિલ હાસન જિલ્લાના સકલેશપુરનો રહેવાસી છે. હાલ પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરવા માટે શોધખોળ કરી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર મેટ્રો શહેરોમાં મહિલાઓની સુરક્ષા અને મિત્રતાના નામે ખેલાતા ખેલ સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ખેડામાં શિક્ષણ જગત શર્મશાર! પૂર્વ વિદ્યાર્થિનીનો સાવલી સુધી પીછો કરી શિક્ષકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ
આ પણ વાંચો: સુરતમાં કામની લાલચ આપી મહિલાથી દુષ્કર્મ, ઈચ્છાપુર પોલીસે આરોપીને પકડી લીધો
