Kutch News: કચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વોંધ અને ચીરઈ વિસ્તારમાં અંદાજે 950 એકર જમીન પરથી મીઠાના પાળા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા, જે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી જમીન મુક્તિ કાર્યવાહીઓમાંની એક ગણાઈ રહી છે.
આ સમગ્ર ઓપરેશન નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ના સ્પષ્ટ આદેશ બાદ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
મંતવ્ય ન્યૂઝના અહેવાલના અસરથી
મંતવ્ય ન્યૂઝ દ્વારા વારંવાર પ્રકાશિત કરાયેલ અહેવાલો અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર ઉઠાવાયેલા સવાલો બાદ તંત્ર પર દબાણ વધ્યું હતું. મંતવ્ય ન્યૂઝના અહેવાલના અસરથી NGTના આદેશો અમલમાં મૂકવામાં આવ્યા અને અંતે આ વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે ચાલી રહી છે. લોકોનું માનવું છે કે, મીડિયા દ્વારા મુદ્દાઓ ઉજાગર થવાથી જ આવા મોટા ઓપરેશનો શક્ય બને છે.
NGTના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, NGT દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર દબાણો (Illegal pressures)અને ગેરકાયદેસર મીઠા પકવણીના ધંધા સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને અનુસરીને દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ભચાઉથી આશરે 14 કિમી અંતરે આવેલા વોંધ અને ચીરઈ વિસ્તારમાં મીઠા માફિયાઓ દ્વારા બનાવાયેલા સોલ્ટ સેન્ડ ડ્યુન્સ તોડી પાડ્યા. આ કાર્યવાહીથી જમીનને તેની મૂળ પ્રાકૃતિક સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ ભવિષ્યમાં થનારા પર્યાવરણીય નુકસાનને અટકાવવાનો પ્રયાસ થયો છે.
100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા
આ વિશાળ ઓપરેશનમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, તંત્રના વિવિધ વિભાગો તેમજ પોલીસ દળના 100થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. ભારે યંત્રો, બુલડોઝર અને મશીનરીનો ઉપયોગ કરીને મીઠાના પાળા, કાચા માળખાં અને ગેરકાયદેસર વ્યવસ્થાઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી.
DPAના ઉપમુખ્ય ઇજનેર શ્રીનિવાસ રાવના નેતૃત્વ હેઠળ અને ટ્રેડ પ્રમોશન તથા પબ્લિક રિલેશન્સ ઓફિસર ઓમપ્રકાશ દાદલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી.
ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે મોટી : DPA
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, પર્યાવરણ સંરક્ષણ અને કાયદાના પાલન પ્રત્યે સંસ્થા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં જો પોર્ટ ઓથોરિટીની જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર અતિક્રમણ(Illegal pressures) અથવા દબાણ થશે, તો તેને NGTના આદેશો અને લાગુ કાયદાઓ અનુસાર તાત્કાલિક દૂર કરવામાં આવશે.
અગાઉ પણ થઈ હતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા એક વર્ષ અગાઉ પણ બને ઝૂંપડા તેમજ ત્યારબાદ તાજેતરમાં મીઠા પોર્ટ અને આસપાસના વિસ્તારોમાં વર્ષો જૂની ઝૂંપડપટ્ટી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છતાં, કેટલાક વિસ્તારોમાં ફરીથી ગેરકાયદેસર દબાણો (Illegal pressures) જેવી પ્રવૃત્તિઓ શરૂ થતી હોવાની ફરિયાદો મળતી રહે છે.
ગાંધીધામ સહિત અન્ય વિસ્તારોમાં દબાણ મુદ્દે પ્રશ્નો
સ્થાનિક લોકોમાં એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે કે ગાંધીધામ સહિત અન્ય વિસ્તારોમાં DPAની કિંમતી જમીન પર થયેલા દબાણો સામે હજુ સુધી મોટી કાર્યવાહી થતી નથી. ખાસ કરીને “મોટા માથાઓ” સામે કડક પગલાં લેવાય તેવી માંગ લોકો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવે છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ,700થી વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું !
આ પણ વાંચો:ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીનાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
આ પણ વાંચો:પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
