Rajkot News: રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે યુવકની જાહેરમાં થયેલી હત્યાના (Bhaktinagar Murder Case) CCTV Footage સામે આવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, બહેન સાથે પ્રેમલગ્ન કરનાર બનેવી વિમલ વાણીયાને તેના સાળા કમલેશ ધાંધળે RC બુક લેવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે મારામારી કરી છરીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. અહેવાલ મુજબ, માત્ર 23 સેકન્ડમાં છરીના આશરે 13 ઘા ઝીંકવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ વિમલને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Bhaktinagar Murder Case: સાત વર્ષ પહેલાંના પ્રેમલગ્નને લઈને અદાવત હોવાનો આક્ષેપ
મૃતક 27 વર્ષીય વિમલ વાણીયા (Vimal Vaniya) સહકાર રોડ વિસ્તારમાં રહેતા હતા. તેમણે સાત વર્ષ પહેલાં શીતલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્નથી શીતલના પરિવારજનો નારાજ હોવાનું અને ત્યારથી તેમણે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હોવાનું જણાવાયું છે. આ જ અદાવતને (Love Marriage Dispute) કારણે કમલેશ ધાંધળે વિમલ પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હત્યા પાછળનાં તમામ કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
RC બુક લેવાના બહાને બોલાવ્યો
પ્રાથમિક વિગતો મુજબ, ઘટનાના દિવસે આરોપીએ RC બુક લેવાના બહાને વિમલને ભક્તિનગર સર્કલ પાસે બોલાવ્યો હતો. CCTV ફૂટેજમાં બંને વચ્ચે શરૂઆતમાં વાતચીત થતી જોવા મળે છે.
ત્યારબાદ આરોપીએ વિમલને દુકાનમાંથી ખેંચીને બાઈક પાસે લઈ જઈ માર માર્યો હતો. આ પછી છરી કાઢીને તેના પર હુમલો (Knife Attack) કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં વિમલ ગંભીર રીતે ઘાયલ થઈ રસ્તા પર ઢળી પડ્યો હતો.
હોસ્પિટલમાં વિમલને મૃત જાહેર કરાયો
ઘટના દરમિયાન આસપાસના લોકો એકઠા થતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો અહેવાલ છે. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ વિમલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી.
પત્નીએ ભાઈને કડક સજાની માગ કરી
મૃતકની પત્ની શીતલબેને આક્ષેપ કર્યો હતો કે તેના ભાઈએ વિમલને બોલાવી તેની સાથે દગો કર્યો અને પછી તેની હત્યા કરી દીધી. પતિના મૃત્યુથી પોતે અને તેમનો નાનો દીકરો નિરાધાર બની ગયાં હોવાનું જણાવતાં તેમણે આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.
મુખ્ય આરોપી કમલેશ ધાંધળની ધરપકડ
મૃતકની પત્નીની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી કમલેશ ધાંધળની ધરપકડ કરી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: પતિની હત્યા કરી સાપ કરડ્યાનું નાટક! પત્ની અને પ્રેમીને ફાંસીની સજા
આ પણ વાંચો: નવરાત્રિની રાતે રાજકોટમાં લોહિયાળ ખેલ! 28 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા
આ પણ વાંચો: પંજાબમાં ડ્રગ્સ વિરોધી એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની ગોળી મારી હત્યા, મેડિકલ સ્ટોર પર થયો હતો વિવાદ
