Devbhoomi Dwarka News/ ભાણવડમાં રમતા-રમતા ઝેરી વનસ્પતિના બી ખાઈ જતાં 7 બાળકોની તબિયત લથડી

Bhanvad Krishnagadh Poisonous Seeds: દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક કૃષ્ણગઢ ગામની સીમમાં શ્રમિક પરિવારના 7 બાળકો ઝેરી વનસ્પતિ (એરંડા) ના બી ખાવાથી ગંભીર બીમાર પડ્યા છે. ખંભાળિયા સિવિલમાં સારવાર ચાલુ.

Top Stories Gujarat Others
Bhanvad Krishnagadh Poisonous Seeds

Bhanvad Krishnagadh Poisonous Seeds: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારોના 7 માસૂમ બાળકો અજાણતામાં ઝેરી વનસ્પતિના બી (એરંડા) ખાઈ જતાં તમામને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એકસાથે સાત-સાત બાળકો ઝેરી અસરનો ભોગ બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં આક્રંદનો માહોલ સર્જાયો છે.

Bhanvad : રમતા-રમતા અજાણતામાં ખવાઈ ગયા ઝેરી બી

પ્રાપ્ત વિગતો અનુસાર, કૃષ્ણગઢ ગામની સીમમાં આવેલ ખેતરોમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારોના બાળકો પોતાના ઘર નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન નજીકમાં ઉગી નીકળેલી ઝેરી વનસ્પતિ એરંડાના બી પર બાળકોની નજર પડી હતી અને અજાણતામાં રમત-રમતમાં આ માસૂમો તે બી ખાઈ ગયા હતા. બી ખાધાના થોડા જ સમયમાં તમામ બાળકોના શરીર પર ઝેરી અસર દેખાવા લાગી હતી. એક પછી એક તમામ 7 બાળકોને અસહ્ય પેટનો દુખાવો અને ઉલ્ટીઓ શરૂ થઈ જતાં વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા

એકસાથે સાત બાળકોની તબિયત ગંભીર રીતે લથડતાં સ્થાનિક લોકો અને પરિવારો તાત્કાલિક ધોરણે તમામ માસૂમોને સારવાર માટે ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે લઈ દોડ્યા હતા. જો કે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ બાળકોની હાલતમાં સુધારો ન જણાતાં અને સ્થિતિ વધુ નાજુક બનતાં ફરજ પરના તબીબોએ કોઈ જોખમ લીધું નહોતું. તબીબોની સલાહ બાદ તમામ સાતેય બાળકોને તાકીદે વધુ ઉચ્ચ સઘન સારવાર અર્થે જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ કેમ્પસમાં ચિંતાતુર દ્રશ્યો

હાલ જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા તમામ બાળકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પોતાની નજર સામે કાળજાના ટુકડા જેવા માસૂમ બાળકોને હોસ્પિટલના ખાટલા પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા જોઈ શ્રમિક માતા-પિતા ભાંગી પડ્યા છે. હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની અને ચિંતાતુર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ આ ગંભીર ઘટનાને પગલે સતર્ક બન્યું છે.


આ પણ વાંચો :  હત્યા ભાણવડમાં ઘરેલુ ઝઘડો હત્યામાં ફેરવાયો, પતિની ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચો :  દ્વારકાના ભાણવડમાંથી દારૂ બનાવાની 2 ભઠ્ઠીઓ ઝડપાઇ

આ પણ વાંચો :  દ્વારકાના ભાણવડમાં તબીબોની ગેરહાજરીથી દર્દીઓ મૂકાયા મુશ્કેલીમાં