Digital Arrest Scam India : ભાવનગર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીના કેસોમાં વારંવાર ચર્ચામાં રહ્યો છે. હવે વધુ એક આંતરરાજ્ય સાયબર ગુનાની કડી ભાવનગર સાથે જોડાઈ છે. હૈદરાબાદમાં નોંધાયેલા એક મોટા ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કૌભાંડની તપાસ દરમિયાન હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસને ભાવનગર સુધી પહોંચતી કડી મળી છે, જેના આધારે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
વૃદ્ધાને ‘Digital Arrest’ હેઠળ રાખવામાં આવ્યા હતા
પ્રાપ્ત વિગતો મુજબ, હૈદરાબાદમાં રહેતા એક વૃદ્ધાને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તેમના નામે વિદેશથી ડ્રગ્સ ભરેલું પાર્સલ આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બહાને વૃદ્ધાને ડરાવી ધમકાવી તેમને ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પતાવટના નામે જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ રૂ. 1.97 કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવી હતી.
ટ્રાન્સફર થયેલા ખાતાઓનું મૂળ ભાવનગરમાં ખુલ્યું
ઠગાઈનો ભોગ બનેલા વૃદ્ધાએ 13 ડિસેમ્બરના રોજ હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો હતો કે, જે બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા, તે ખાતાઓનું મૂળ ભાવનગર સાથે જોડાયેલું છે.
આ ખુલાસા બાદ હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસની એક ટીમ, જેમાં પીઆઈ, પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, ભાવનગર પહોંચી હતી. સ્થાનિક પોલીસના સહયોગથી શહેરના વડવા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડવા વિસ્તારમાંથી બે શખ્સોને ઉઠાવાયા
તપાસ દરમિયાન વડવા વિસ્તારમાં રહેતા અનાસ રહિમ બેલીમ અને શોએબ સૈયદ નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને શખ્સો ગરીબ લોકોના નામે બેંક ખાતાઓ ખુલાવડાવી, તે ખાતાઓ સાયબર ફ્રોડના નાણા સ્વીકારવા માટે ઉપયોગમાં લેતા હતા. બાદમાં આ ખાતાઓનું સંચાલન સુરતના કેટલાક શખ્સોને સોંપવામાં આવતું હતું.
વધુ ખુલાસાની શક્યતા
પોલીસનું માનવું છે કે, આ સમગ્ર રેકેટમાં હજુ અન્ય શખ્સોની સંડોવણી બહાર આવી શકે છે. હાલ ઝડપી લેવાયેલા બંને શખ્સોને હૈદરાબાદ પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે અને સમગ્ર કૌભાંડ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ ફરી એક વખત ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) અને સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે.
