Bhavnagar Mangrol Bus Accident: ગુજરાતના હાઈવે પર ફરી એકવાર રક્તરંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી સોમનાથ મહાદેવના દર્શન કરી દ્વારકા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ખાનગી ટ્રાવેલ્સની બસને માંગરોળના રઈજ ગામ પાસે કાળમુખો અકસ્માત નડ્યો છે. હાઈવે પર અચાનક રોઝડું (નીલગાય) આડું ઉતરતા સર્જાયેલી આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
રોઝડું આડું ઉતરતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
મળતી વિગતો અનુસાર, ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ ખાનગી બસમાં સવાર થઈને ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. સોમનાથમાં દર્શનનો લ્હાવો લીધા બાદ આ સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હ તો. ત્યારે રઈજ ગામ નજીક અચાનક એક રોઝડું પૂરઝડપે આવતી બસની આડે ઉતર્યું હતું. પશુને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જોતજોતામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ હાઈવે પર પલટી મારી ગઈ હતી.
Bhavnagar : હાઈવે પર ગુંજી ઉઠી મરણચીસો
અકસ્માત એટલો ભીષણ હતો કે બસ પલટી ખાતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે યાત્રિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે સોમનાથ-દ્વારકા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ કાર્યવાહી
માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેન દ્વારા બસને રસ્તા પરથી ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે નીકળેલી આ યાત્રામાં અચાનક માતમ છવાઈ જતાં ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:ટિકિટ વહેંચણીમાં એવું તે શું થયું કે ભાવનગરમાં પૂર્વ મેયરને ભાજપ કાર્યાલયમાંથી બહાર કઢાયા?
આ પણ વાંચો:ભાવનગર ભાજપમાં ભાંજગડઃ મેયરની આત્મવિલોપનની ધમકીથી ખળભળાટ
આ પણ વાંચો:ભાવનગર શહેર ભાજપમાં ભડકો, મેયર ભરત બારડની આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ
