Bhavnagar News/ ટિકિટ વહેંચણીમાં એવું તે શું થયું કે ભાવનગરમાં પૂર્વ મેયરને ભાજપ કાર્યાલયમાંથી બહાર કઢાયા?

ભાવનગર ભાજપમાં મોટો આંતરિક વિવાદ. 60 વર્ષના નિયમના કારણે ટિકિટ કપાતા પૂર્વ મેયર Bharat Barad રોષે ભરાયા. કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા મહામંત્રી મુકેશ ડાભી સાથે ઉગ્ર ચકમક ઝરી.

Others Top Stories Gujarat
Bhavnagar Bharat Barad Former Mayor

Bhavnagar Bharat Barad Former Mayor: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ગુજરાત ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. ભાવનગર ભાજપમાં તો આ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારીના નવા નિયમોને કારણે પત્તું કપાઈ જતાં ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડનો ખુલ્લો વિદ્રોહ સામે આવ્યો છે. રોષે ભરાયેલા ભરત બારડની સીધી શહેર ભાજપ કાર્યાલયમાંથી જ હકાલપટ્ટી કરવામાં આવતા રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે.

મહામંત્રી સાથે થઈ ઉગ્ર બોલાચાલી

પ્રાપ્ત વિગતો અનુસાર, પોતાની ટિકિટ કપાવાને લઈને ઉગ્ર નારાજગી વ્યક્ત કરવા પૂર્વ મેયર ભરત બારડ શહેર ભાજપ પ્રમુખ પાસે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને કાર્યાલયમાં જ રોકી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે ભારે ચકમક ઝરી હતી. હકાલપટ્ટી થતાં ગુસ્સામાં લાલચોળ થયેલા ભરત બારડે જાહેરમાં આકરા શબ્દો ઉચ્ચારતા કહી દીધું હતું કે, “આ પાર્ટી કોઈના બાપની નથી, આ પાર્ટી અમે મહેનત કરીને ઊભી કરેલી છે.”

શા માટે કપાયું પૂર્વ મેયર Bharat Baradનું પત્તું?

આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ હાઈકમાન્ડે કેટલાક કડક માપદંડો નક્કી કર્યા છે. પાર્ટીના નવા નિયમ મુજબ, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓ અને જેઓ અગાઉ ત્રણ ટર્મથી ચૂંટણી લડ્યા હોય તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય નવા અને યુવા ચહેરાઓને રાજકારણમાં તક આપવાનો છે. આ ’60 પ્લસ’ ના નિયમની ઝપેટમાં પૂર્વ મેયર ભરત બારડ પણ આવી ગયા હતા અને તેમની ટિકિટ કાપી નાખવામાં આવી હતી.

4-5 દિવસથી અંદરખાને ધૂંધવાઈ રહ્યા હતા

ટિકિટ ન મળવાની જાણ થતાં જ છેલ્લા ચાર-પાંચ દિવસથી પૂર્વ મેયર ભરત બારડ પાર્ટી હાઈકમાન્ડ સામે ભારે નારાજ ચાલી રહ્યા હતા. અંદરખાને ધૂંધવાઈ રહેલો તેમનો આ રોષ આખરે કાર્યાલયમાં મોટા વિસ્ફોટ સ્વરૂપે બહાર આવ્યો હતો. એક સિનિયર નેતાની કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતાં ભાવનગરના સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર