મુનિર પઠાન,ભરૂચ @મંતવ્ય ન્યૂઝ
ભરૂચ- અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર ₹430 કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ના લોકાર્પણ તથા અન્ય વિવિધ ₹222 કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સોમવાર બપોરે 2.30 કલાકે કે.જે.પોલીટેકનીક કોલેજ ગ્રાઉન્ડ- ભરૂચ ખાતે થનાર છે.નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ 1462 મીટર તથા 20.80 મીટર પહોળાઇ છે. એપ્રોચની લંબાઇ 2131 મીટર, એલિવેટેડ કોરીડરની લંબાઇ 1407 મીટર અને પોહળાઈ 17.20 મીટર છે.

અપ રેમ્પ 240 મીટર ( શીતલ ગેસ્ટ હાઉસ પાસે ), ડાઉન રેમ્પ 268 મીટર ( રેલ્વે સ્ટેશન પાસે ) છે. સુપર સ્ટ્રકચર- ફીશ બેલી શેપ PSC બોકસ ગર્ડર, સર્વિસ રોડ 1550 મીટર લંબાઇ તથા 7 મીટર પહોળાઇ છે. બ્રિજ ઉપર 228 LED સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. સાથે જ ઉદ્ઘાટનને લઈ આકર્ષક લાઇટિંગ પણ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. ફોરલેન બ્રિજ ઉપર હવે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકતા ટ્રાફિક સમસ્યામાંથી લોકોને છુટકારો મળવા સાથે સમય, ઇંધણ અને ટોલ ટેક્સમાંથી પણ મુક્તિ મળશે.

કોસ્મો પોલિટન કલચર ધરાવતું કાશી બાદની ભારતની 8000 વર્ષ પ્રાચીન બીજી ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકરે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડીયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં બ્રિટિશ રાજ બાદની સરકારોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજને સાકાર કરવામાં 43 વર્ષનો સમય લાગ્યો છે.

ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજને નિર્માણ કરવામાં કોન્ટ્રકટરે પણ 5.7 વર્ષ સમય લીધો છે. આજે ₹ 423 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બન્ને શહેરના 7.68 લાખ લોકો અને 20000 થી વધુ દૈનિક વાહન ચાલકોને રફતાર આપવા રથયાત્રાથી કાર્યરત થવા તૈયાર થઈ ગયો છે. લકડીયા પુલ પરથી સમય અને જરૂરિયાત સાથે વસ્તી તેમજ વાહનોને લઈ નર્મદા નદી ઉપર કાળક્રમે સુવર્ણ, સિલ્વર, જૂનો-નવો સરદાર બ્રિજ અને કેબલબ્રિજ બાદ 143 વર્ષમાં આ 7 મો બ્રિજ પોતાની સફર અને વાહનચાલકોને સેવા આપવા કાર્યરત થવા જઈ રહ્યો છે. આ ફોરલેન બ્રિજ માટે ભરૂચના MLA દુષ્યંત પટેલે વર્ષોથી પ્રયાસો કર્યા હતા.

