Gujarat election 2022/ ખેડા જિલ્લાની મહુધા બેઠક પર આજદિન સુધી ભાજપ જીત્યું નથી, 25 વર્ષ બાદ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાતા સમીકરણ બદલાશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે,ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ જીત માટે પોતાની રણનીતિ અપનાવી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 30 ખેડા જિલ્લાની મહુધા બેઠક પર આજદિન સુધી ભાજપ જીત્યું નથી, 25 વર્ષ બાદ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાતા સમીકરણ બદલાશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે,ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ જીત માટે પોતાની રણનીતિ અપનાવી રહી છે. એવામાં બેઠક પર રાજકિય સમીકરણો કેવા રહેશે તેના આધારે પણ કચાશ લગાવવામાં આવે છે કે આ બેઠક પર કઇ પાર્ટીનો ઉમેદવાર જીતશે. ખેડા જિલ્લાની મહુધા બેઠકએ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર આજદિન સુધી ભાજપ જીતી શક્યું નથી. આ મહુધા બેઠક પર કોંગ્રેસનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. આ બેઠક પર હવે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે તો રાજકિય સમીકરણ બદલાઇ શકે છે. કોંગ્રેસની પરંપરાગત બેઠકમાંથી એક મહુધાની બેઠક છે. ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે,અને જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડાતી હતી તેમાં પણ મહુધા બેઠક પર ભાજપ ક્યારે જીત મેળવી શકી નથી.મહુધામાં 25 વર્ષ બાદ તાલુકા પંચાયત પર ભાજપ જીતી છે ,જેના લીઘે પરિણામ બદલાઇ શકે છે.

118 મહુધા (જનરલ) વિધાનસભા બેઠક મધ્ય ગુજરાતમાં આવેલી છે. આ બેઠક ખેડા જિલ્લાનો ભાગ છે. આ મતવિસ્તારમાં કુલ 223610 મતદારો છે. જેમાંથી 115996 પુરુષ, 107608 સ્ત્રી અને 6 અન્ય મતદારો છે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહુધા મતવિસ્તારમાં ઊંચું મતદાન નોંધાયું હતું. આ બેઠક માટે 14 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થયું હતું.

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રાયસિંગ પરમારને ઉભા રાખ્યા હતા.આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહને 78006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ 64405 મત મળ્યા હતા. આવી જ રીતે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ખુમાણસિંહ સોઢાને ટિકિટ આપી હતી.તે વખતે કોંગ્રેસના નટવરસિંહને 58373 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ખુમાણસિંહને 45143 મત મળ્યા હતા. આ બેઠક પર 1967 થી ચૂંટણી થઈ રહી છે અને ભાજપ અત્યાર સુધી એક પણ વાર જીતી શક્યો નથી. 1985થી આ બેઠક સતત કોંગ્રેસના નામે રહી છે.

ખેડા બેઠક પર ભાજપ છે. પણ મહુધામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. અલબત્ત ગત વર્ષે યોજાયેલી મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25 વર્ષમાં પ્રથમ વખત જીત હાંસલ કરી હતી.આ ચૂંટણી છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ જીતી રહી હતી. જોકે, 2021માં મહુધા તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામમાં ભાજપે 18 બેઠકોમાંથી 12 બેઠકો કબજે કરી હતી. બીજી તરફ કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી સત્તા મળતા ભાજપના કાર્યકરો અને આગેવાનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

આ બેઠક પર ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર અને મુસ્લિમ સમાજની પકડ છે. આ બેઠક પર આ સમાજના મત મહત્વના સાબિત થઈ શકે છે. ઓબીસી અને જનરલ એમ બંને મત જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.