તમિલનાડુમાં ભાજપના સેન્ટ્રલ ચેન્નાઈ એસસી/એસટી વિંગના પ્રમુખ બાલચંદ્રની ચિંતાદ્રિપેટમાં ત્રણ અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બાલચંદ્ર (30) ચેન્નાઈના સિંધત્રિપેટનો રહેવાસી હતો. તેઓ ભાજપની એસસી-એસટી વિંગમાં ચેન્નાઈના જિલ્લા અધ્યક્ષ હતા. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાથી, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) આપવામાં આવ્યા હતા.
આજે રાત્રે બાલચંદ્ર તેમના પીએસઓ બાલકૃષ્ણન સાથે સમિનાયકન સ્ટ્રીટ પર ગયા હતા અને ત્યાં તેમના કેટલાક મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. દરમિયાન પીએસઓ બાલક્રિષ્નન નજીકની ચાની દુકાનમાં ચા પીવા ગયા તે સમયે ત્રણ લોકોએ તેને ઘેરી લીધો અને છરી વડે તેની નિર્દયતાથી હત્યા કરી.
ત્યારપછી આરોપીઓ તેમના વાહનમાં સવાર થઈ ગયા અને બાલકૃષ્ણન પાછા ફરે તે પહેલા જ સ્થળ પરથી ભાગી ગયા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. જયારે ભાજપના કાર્યકર્તાના મૃત્યુથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
નોંધનીય છે કે 18 મેના રોજ પણ ચેન્નાઈમાં બે ભયાનક હત્યાઓ થઈ હતી અને બંને સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે વિપક્ષી નેતા ઈડાપ્પડી કે. પલાનીસ્વામીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ ટીકા કરી હતી, એવો દાવો કર્યો હતો કે ચેન્નાઈ હત્યાઓનું શહેર બની ગયું છે કારણ કે છેલ્લા 20 દિવસમાં 18 હત્યાઓ થઈ છે.