બિહાર/ ભાજપના નેતાએ મેયર પદની ઉમેદવાર પત્નીની ગોળી મારી કરી હત્યા, પછી પોતે પણ કરી આત્મહત્યા

બિહારના મુંગેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, અહીં બીજેપી નેતા અરુણ યાદવે પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી, પત્નીની હત્યા બાદ ભાજપના નેતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી

Top Stories India
3 1 2 ભાજપના નેતાએ મેયર પદની ઉમેદવાર પત્નીની ગોળી મારી કરી હત્યા, પછી પોતે પણ કરી આત્મહત્યા

બિહારના મુંગેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં બીજેપી નેતા અરુણ યાદવે પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી. પત્નીની હત્યા બાદ ભાજપના નેતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ અરુણ યાદવની પત્ની પ્રીતિ કુમારી મેયર પદની ઉમેદવાર હતી. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રીતિ કુમારીએ મેયરની ચૂંટણી પ્રચારમાં જવાની ના પાડી દીધી હતી. આ અંગે દલીલો થઈ હતી. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી દેશી બનાવટની બે પિસ્તોલ કબજે કરી છે.

મામલો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલ દરવાજા વિસ્તારનો છે. જ્યારે બીજેપી નેતા બડા બાબુ તરીકે જાણીતા અરુણ યાદવના ઘરેથી ગોળી ચલાવવામાં આવી ત્યારે ગોળીઓનો અવાજ સાંભળીને લોકો તેમના ઘરે પહોંચ્યા તો બેડરૂમ અંદરથી બંધ હતો. આ પછી લોકોએ બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું તો પતિ-પત્ની બંનેના મૃતદેહ પડેલા હતા.

મળતી માહિતી મુજબ, અરુણ યાદવ ભાજપના OBC મોરચામાં જિલ્લા ઉપાધ્યક્ષ હતા. જયારે તેમની પત્ની પ્રીતિ કુમારી ભાજપના નેતા હતા અને મુંગેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મેયર પદના ઉમેદવાર હતા. નોંધનીય છે કે આ બન્નેને કોઇ સંતાન નથી.

આ ઘટના પાછળ પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોમાં એ વાતની ચર્ચા છે કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં અરુણ યાદવ તેમની પત્ની પ્રીતિ દેવીને મેયરના ઉમેદવાર તરીકે લાવ્યા હતા અને ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તેઓ તેમની પત્નીને મેયરના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હતા. આ અંગે અરુણ યાદવ સતત વિસ્તારોમાં જનતા સાથે વાતચીત કરી રહ્યા હતા.

છેલ્લા ત્રણ દિવસથી અરુણ યાદવ તેમની પત્ની અને સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ આકરા તડકા અને ગરમીના કારણે પત્ની પ્રીતિ દેવી પ્રચારમાં જવા માંગતા ન હતા અને બુધવારથી જ બંને વચ્ચે તણાવ હતો. જયારે મૃતકના કાકા સત્યનારાયણ યાદવે જણાવ્યું કે હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ સમજાયું નથી. જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે બારીમાંથી બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા અને બંનેને માથામાં ગોળી વાગી હતી.

આ મામલામાં એસએચઓ ડીકે પાંડેએ કહ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રૂમમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે. બંનેને માથામાં ગોળી વાગી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યો છે. ઘટના કયા કારણોસર બની તે અંગે તપાસ ચાલુ છે.